મૂળી: મૂળી તાલુકાનાં નવાણિયા ગામનો યુવાન માત્ર અઢાર વર્ષની ઉમરે એરફોર્સમાં જોડાયા બાદ બે વર્ષબાદ બંગાળના પાનાગઢ વિસ્તારમાં નોકરી પર હતા. તે દરમિયાન કોઇ કારણસર શહિદ થતા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ છે. મૂળીનાં નવાણીયાના ધનરાજસિંહ દિગુભા પરમાર એરફોર્સમાં જોડાયા હતા. પશ્ચીબંગાળનાં પાનાગઢ વિસ્તારમાં ફરજ બજાવી રહ્યા હતા. ધનરાજસિંહનો 7 ઓગસ્ટનાં રોજ જન્મદિવસ હોવાથી નવાણીયા રજા પર હતા. ત્યારે પરીવાર અને મીત્રો સાથે ઉજવણી કરી નોકરી પર ગયા હતા.
શહિદનો મૃતદેહ વતન લવાતા ગામ હિબકે ચડ્યું
શુક્રવારે ફરજ પર શહિદ થતા વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ. જયારે રવિવારે સાંજે અંતિમવિધિ માટે માદરે વતન લવાતા સમગ્ર ગામ હિબકે ચડ્યુ હતું. તેમની માતા કલ્પાંત હૈયે દિકરા એક વખત તો મારી સાથે બોલ તેમ કહેતા ત્યાં ઉપસ્થિત તમામની આંખોમાં આસું આવી ગયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય રૂત્વિકભાઇ મકવાણા, પુર્વધારાસભ્ય શામજીભાઇ ચૌહાણ, પીએસઆઇ ડી.બી.ઝાલા, મામલતદાર વિ.એચ.જોષી, ઉપપ્રમુખ અશોકસિંહ પરમાર અંતિમ વિધિમાં જોડાયા હતા.
સુરપાલસિહ ધોરણ 10માં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે પરંતુ અઢી વર્ષ પૂર્વ એરફોર્સના ટેકનિકલ વિભાગમાં બંગાળ ખાતે નોકરીમાં જોડાયેલા ધનરાજસિહ પરમારે નાના ભાઈને ભણાવી-ગણાવી માતા અને પરિવારને મદદરૂપ થયા બાદ લગ્ન કરવાની ઈચ્છા ધરાવતા હતા. ત્યારે નવાણિયાના બહુમુખી પ્રતિભા ધનરાજસિહ પરમાર શહિદ થયાના સમાચાર પ્રાપ્ત થતા ગામમાં શોકનો માહોલ છવાયો હતો.
ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લા ખાતે રાજ્યકક્ષાના ૭૨મા સ્વતંત્ર પર્વની ઉજવણી થનાર છે એવા સમયે મૂળીના નવાણિયા ગામના ક્ષત્રિય યુવકના નિધનથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ જવા પામી છે તેમજ શહિદ ધનરાજસિંહ પરમારના મોટા બાપુ વાઘુભા પરમારના પુત્ર શિવરાજસિંહ પરમાર હાલ ગોવા ખાતે આર્મીમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે.