હવસના ભૂખ્યા નરાધમોને જાણે કાયદાનો કોઇ ડર જ ના રહ્યો હોય તેમ વારંવાર બળાત્કાર અને છેડતીની ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે આજે ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મના પ્રયાસની ઘટના બની છે. જ્યાં એક અસ્થિર મગજની યુવતી સાથે ઘરમાં ઘૂસી બળાત્કારનો પ્રયાસ એક યુવકે કર્યો છે.
ભરૂચના ઝઘડિયા તાલુકાના એક ગામમાં નરાધમો દ્વારા એક અસ્થિર મગજની યુવતી સાથે બળાત્કાર કરવાનો કિસ્સો સામે આવ્યો છે. ઘટનાની વિગત જોઈએ તો, આ અસ્થિર મગજની યુવતીની માતા ઘરનો દરવાજો ખુલ્લો મૂકીને અને દિકરીને ઘરે જ મૂકીને બિસ્કીટ લેવા ગઈ હતી. બીલકુલ આ જ ક્ષણનો લાભ ઉઠાવીને ગામનો જ એક યુવક ઘરમાં ઘૂસી ગયો હતો. આ યુવકે કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર એ દિકરી સાથે બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો હતો.
બિસ્કીટ લઈને ઘરે આવેલી દિકરીની માતા પહેલા તો બંધ દરવાજો જોઈને ચોંકી ગઈ હતી. બાદમાં તેણે દરવાજો ખોલીને જોયું તો સતીષ વસાવા નામનો એક ઈસમ યુવતી સાથે અભદ્ર રીતે બળજબરી કરતા ઝડપાયો હતો. દિકરીની માતાએ બૂમાબૂમ કરતા તે નરાધમ ત્યાંથી ભાગી ગયો હતો. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા, પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.