નવી દિલ્હીઃ દેશના 712 જિલ્લામાં કરાવવામાં આવેલ એક ઓનલાઈન સર્વેમાં 57 લાખ જેટલા લોકોએ ભાગ લીધો હતો. જે પૈક 48% લોકોનું માનવું છે કે દેશને આગળ લઈ જવા માટે એક સશક્ત નેતા તરીકે પીએમ નરેન્દ્ર મોદી પર વિશ્વાસ મુકી શકાય છે. આ સર્વે રાજકીય પંડિત પ્રશાંત કિશોર સાથે જોડાયેલ એડવોકસી ગ્રુપ ઇન્ડિયન પૉલિટિકલ એક્શન કમિટી(I-PAC)એ કર્યો હતો
નેશનલ એજન્ડા ફોરમ અંતર્ગત કરવામાં આવેલ આ સર્વેમાં લોકોને 923 નેતાઓ વચ્ચેથી તેમના ફેવરીટ નેતા ચયન કરવા માટે કહેવામાં આવ્યું હતું. જેમાં 48% વોટ સાથે મોદી પ્રથમ, 11% વૉટ સાથે રાહુલ ગાંધી બીજા સ્થાને જ્યારે અરવિંદ કેજરીવાલ 9.3 ટકા વૉટ સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા. જ્યારે અખિલેશ યાદવ 7 ટકા વોટ, મમતા બેનર્જી 4.2 અને માયાવતી 4.1 વૉટ સાથે ક્રમશઃ ચોથા, પાંચમા અને છઠ્ઠા નંબર પર રહ્યા હતા.
સર્વેમાં ઓડિશા મુખ્યમંત્રી નવીન પટનાયક, બિહારના CM નીતિશ કુમાર, CPMના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી, NCP પ્રમુખ શરદ યાદવ સહિત અનેક રાષ્ટ્રીય અને ક્ષેત્રીય ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું હતું. સર્વેમાં સામેલ થનાર વ્યક્તિઓએ મહિલા સશક્તિકરણ, ખેડૂતોની સમસ્યા, આર્થિક અસમાનતા, વિદ્યાર્થીઓની સમસ્યા, આરોગ્યની સેવાઓમાં ક્ષતી, સાંપ્રદાયિક એક્તા દેશના મુખ્ય મુદ્દા કહ્યા હતા.
આ સર્વેમાં બોલિવુડ નેતા અક્ષય કુમાર, RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન અને પત્રકાર રવીશ કુમારની ઓળખ એવા પ્રખ્યાત ચહેરા તરીકે કરવામાં આવી જેમણે રાજકરણમાં હોવું જોઈએ. આ સર્વે સોમવારે રીલિઝ કરવામાં આવ્યો હતો. સર્વે વર્ષ 2013માં પ્રશાંત કિશોરની સંસ્થા સિટીઝન ફોર એકાઉંટેબલ ગવર્નન્સ તરફથી કરવામાં આવેલ સર્વે જેવો જ હતો. જેમાં તે સમયે મોદીને દેશના સૌથી લોકપ્રિય નેતા ગણાવાયા હતા. અલબત્ત તે સમયે મોદીને મળેલા વોટની સરખામણીએ આ સર્વેમાં ઓછા નંબર જરૂર આવ્યા છે. પરંતુ સૌથી લોકપ્રિય નેતા તરીકે હજુ પણ તેમના પ્રતિસ્પર્ધીઓથી ઘણા આગળ છે.
જોકે નિષ્ણાંતોનું માનીએ તો આ ઓનલાઈન સર્વે છે જેથી તેના કેટલાક બંધનો અને મર્યાદાઓ હોય છે. દેશના અનેક ગ્રામીણ વિસ્તારોમાં લોકો હજુ પણ આવા સર્વે અને ઓનલાઈન ટૂલની પહોંચથી દૂર છે. જ્યારે I-PACએ કહ્યું કે આ સર્વે દ્વારા અમારો ઈરાદો તો એવા લોકો સુધી પહોંચવાનો હતો જેઓ ઓનલાઈન એક્ટિવ છે.