નીતિન પટેલે કરી સ્પષ્ટતા: રાજ્યમાં પાણીપૂરી પર પ્રતિબંધ નહીં મૂકાય

વડોદરામાં રોગચાળો ફાટી નીકળ્યા બાદ પાણીપૂરીની લારીઓ બંધ કરાવી દેવાઈ હોવાના અહેવાલ બાદ સમગ્ર ગુજરાતમાં પાણીપૂરી પર પ્રતિબંધ આવી શકે છે તેવી અટકળોને નકારતા ડેપ્યુટી સીએમ નીતિન પટેલે સ્પષ્ટતા કરી છે કે, પાણીપૂરી કે પછી કોઈપણ ફુડ પર પ્રતિબંધ મૂકવાનો સરકારનો કોઈ ઈરાદો નથી.

નીતિન પટેલે જણાવ્યું હતું કે, કાયદાકીય રીતે કોઈ ફુડ આઈટમ પર પ્રતિબંધ મૂકવો શક્ય જ નથી. વળી, સ્ટ્રીટ ફુડથી લાખો લોકોને રોજગારી મળતી હોવાથી સરકાર તેના પર પ્રતિબંધ મૂકવાનું વિચારી પણ ન શકે. જોકે, તેમણે એમ ચોક્કસ જણાવ્યું હતું કે, ફુડ આઈટમ્સને બનાવવા કે વેચાણ કરવામાં હાઈજીન મેઈન્ટેન ન કરનારા વેપારીઓ કે ફેરિયા સામે કાર્યવાહી ચાલુ રહેશે.

મહત્વનું છે કે, વડોદરામાં રોગચાળો ફાટી નીકળ્યા બાદ તંત્ર દ્વારા પાણીપૂરીની લારીઓ બંધ કરાવી દેવાઈ છે, અને સ્ટ્રીટ ફુડ તેમજ દુકાનો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. વડોદરા ઉપરાંત, ગુજરાતના અમદાવાદ સહિતના મોટાભાગના શહેરોમાં પણ ફુડ આઈટમ્સનું વેચાણ કરતા ફેરિયા અને દુકાનદારો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે, અને અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવી રહ્યો છે.

ચોમાસામાં આમ પણ રોગચાળો માથું ઉંચકતો હોય છે, ત્યારે ફુડ આઈટમ્સ વેચવામાં ચોખ્ખાઈ ન રખાતી હોવાથી તેમજ તેને બનાવવામાં પણ હાઈજીન મેઈન્ટેન ન થતું હોવાથી કમળો, કોલેરા તેમજ ઝાડા-ઉલ્ટી જેવા રોગ ફાટી નીકળવાની શક્યતા અનેકગણી વધી જાય છે. વડોદરા જેવું બીજા કોઈ શહેરોમાં ન થાય તે માટે સરકાર અત્યારથી જ ચેતી ગઈ છે.

ફુડ આઈટમ્સનું વેચાણ કરવા માટે હેલ્થ વિભાગ પાસેથી લાઈસન્સ લેવું પડે છે. પરંતુ અમદાવાદ જેવા શહેરોમાં હજારો ખૂમચાઓ પર પાણીપૂરીનું બેરોકટોક વેચાણ થાય છે. આ પાણીપૂરીની પૂરી ચાલી-ઝૂંપપટ્ટી જેવા ગંદા વિસ્તારોમાં બનતી હોય છે, અને એકના એક તેલમાં પૂરીઓ તળવામાં આવે છે. તેના મસાલામાં પણ સડેલા બટાકા, ચણા તેમજ ગંદા પાણી અને કેમિકલ્સનો પણ ઉપયોગ થાય છે. જેને ખાવાથી શરીરને ગંભીર નુક્સાન થઈ શકે છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here