કુતિયાણા: CM કહે છે ગુજરાતની તમામ શાળા ડિજિટલ કરીશું પણ કુતિયાણાના ભૂખરી નેશ વિસ્તારમાં સરકારે અડધા કરોડ રૂપીયાના ખર્ચે બહુમાળી બિલ્ડીંગની સુવિધાથી સજ્જ સ્કૂલ બનાવી છે. પરંતુ છેલ્લા 17 વર્ષથી અહીં લાઈટ કનેક્શન નથી આપવામાં આવ્યું, ટ્યુબલાઈટ, બલ્બ, પંખા, ટીવી સહિતની સગવડ સરકારે પૂરી પાડી છે પરંતુ આ ઉપકરણોને ચલાવવા કેવી રીતે તે પ્રશ્નાર્થ ઉદભવી રહ્યો છે. આ બાબતે શાળાના આચાર્યએ 2001 થી વડાપ્રધાન સુધી અનેક વખત રજૂઆતો કરી છતાં આજ દિવસ સુધી લાઈટની સુવિધા પૂરી પાડવામાં આવી નથી.
ભૂખરી નેશ સરકારી શાળામાં વિજળીની સુવિધા આપવામાં આવી નથી
પોરબંદર જિલ્લાના કુતિયાણા નજીક ભૂખરી નેશ વિસ્તારમાં આવેલ સરકારી શાળામાં વિજળીની સુવિધા આપવામાં આવી નથી. વિજળીની સુવિધા આપવામાં ન આવી હોવાને લીધે વિદ્યાર્થીઓ સહિત અહીં વસવાટ કરતા 50 થી વધુ પરિવારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
અહીં આવેલ શાળાની વાત કરીએ તો 17 વર્ષ પહેલા સરકારે અડધા કરોડના ખર્ચે અદ્યતન સુવિધાથી સજ્જ બહુમાળી બિલ્ડીંગનું નિર્માણ કર્યું છે. અને આ બિલ્ડીંગમાં ટ્યુબલાઈટ, પંખા, ટીવી વગેરે ઉપકરણો સરકારે આપ્યા છે. હાલ આ ઉપકરણોને ચલાવવા કેવી રીતે તે પણ એક પ્રશ્નાર્થ બની રહ્યો છે.
આ શાળામાં વિજળીની સુવિધા ઉપલબ્ધ કરવામાં ન આવી હોવાને કારણે છાત્રોને અભ્યાસ કરવામાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શાળાના આચાર્ય ઈ.સ. 2001 થી સરકારની વિવિધ કચેરીઓમાં રજૂઆતો કરી રહ્યા છે તેઓએ વડાપ્રધાન કાર્યાલયમાં પણ રજૂઆત કરી છે. શાળાના આચાર્યની રજૂઆતને ધ્યાને લઈ ધારાસભ્ય, સાંસદ વગેરેએ આ શાળાની મુલાકાત લીધી હતી અને માત્ર આશ્વાસનો જ આપ્યા હોય તેમ અહીં આજ દિવસ સુધી લાઈટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી.
શું કહે છે પી.જી.વી.સી.એલ. ના અધિકારી ?
ભૂખરી નેશ વિસ્તારની શાળામાં લાઈટની સુવિધા નથી તે બાબતે પી.જી.વી.સી.એલ. વિભાગના અધિકારીઓએ એવું જણાવ્યું હતું કે આ વિસ્તાર ફોરેસ્ટ વિભાગમાં આવે અને ફોરેસ્ટ વિભાગ મંજુરી આપે તો અમે લાઈટની સુવિધા ઉપલબ્ધ કરશું.
શું કહે છે ફોરેસ્ટ વિભાગના અધિકારી ?
ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ એવું જણાવ્યું હતું કે ભૂખરી નેશ શાળાના આચાર્ય અને પી.જી.વી.સી.એલ. વિભાગની રજૂઆતને ધ્યાને લઈ અમે બે વર્ષ પહેલા લાઈટની સુવિધા ઉપલબ્ધ કરાવવા અંગેની મંજુરી માટે ઉચ્ચકક્ષાએ જાણ કરી છે પણ હજુ સુધી મંજુરી મળેલ નથી. મંજુરી મળવાની સાથે જ તાત્કાલીક ધોરણે લાઈટની સુવિધા ઉપલબ્ધ કરવા માટેના પ્રયાસો હાથ ધરાશે.
મધ્યાહન ભોજન સંચાલકે દોઢ કિલોમીટર ધક્કા ખાઈ પાણીની વ્યવસ્થા કરવી પડે છે
સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન આપવામાં આવી રહ્યું છે. મધ્યાહન ભોજનના સંચાલકે અહીં પીવાનું પાણી ન હોવાથી દોઢ કિલોમીટર દૂર દૂર સુધી જઈ પીવાનું પાણી લઈ આવવું પડે છે અને બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવી પડે છે.
100 વિદ્યાર્થીઓની સંખ્યા સામે માત્ર 30 જેટલા જ વિદ્યાર્થીઓ
ભૂખરી નેસ વિસ્તારની શાળામાં 100 જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા હતી પરંતુ લાઈટના વાંકે ઉનાળાના કાળઝાળ તડકામાં વિદ્યાર્થીઓ ગરમીથી પીસાઈ બિમારીનો ભોગ બની રહ્યા હતા. આમ વિદ્યાર્થીઓને ડુંગર વચ્ચે કાળઝાળ ગરમીમાં શાળાના વર્ગખંડમાં અભ્યાસ કરવાની ફરજ પડતી હોવાથી હાલ માત્ર 30 જેટલી સંખ્યા રહી છે