રાજકોટ શહેરમાં સતત વધતા કોરોના સંક્રમણ અને મૃત્યુઆંક ચિંતાનો વિષય બની ગયો છે. કોરોનાથી થતા મૃત્યુ બાદ સ્મશાનમાં મૃતકના અસ્થિ રાખવામાં આવે છે. જોકે કેટલાક પરિવારજનો ડરના કારણે અસ્થિ લેવા પણ આવતા ન હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે.
આ સાથે છેલ્લા 3 મહિનામાં એક માત્ર રામનાથપરા સ્મશાન ગૃહમાં 1000 જેટલા અસ્થિ એકઠા થઇ ગયા હોવાનું સ્મશાનગૃહના સંચાલકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. રાજકોટ રામનાથપરા સ્મશાન ગૃહના સંચાલક શ્યામભાઇ પાનખાણીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 1 વર્ષથી હાલ કોરોનાનું સંક્રમણ વધી ગયું છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
કોરોનાથી થતા મૃત્યુ બાદ મૃતકના સ્વજનો ડરના કારણે અસ્થિ લેવા ન આવતા હોવાની માહિતી સામે આવી રહી છે. એક માત્ર રામનાથપરા સ્મશાન ગૃહમાં પાછલા વર્ષ 2020માં લગભગ 4000 જેટલા અસ્થિનું વિસર્જન સ્મશાન ગૃહ દ્વારા હરિદ્વાર ખાતે કરવામાં આવ્યું હતું. જ્યારે ચાલુ વર્ષે છેલ્લા 3 મહિનામાં 1000 જેટલા અસ્થિ એકઠા થઇ ગયા છે. જે ગંભીર બાબત સમજી શકાય છે.
ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષ કરતા કોરોનાની બીજી લહેર ગંભીર હોવાનું સ્મશાનમાં અસ્થિના આંકડા પરથી સાબિત થઇ શકે છે. લોકો પોતાના સ્વજનોના અંતિમસંસ્કાર કરી આવે છે પરંતુ કોરોનાના ડરને કારણે અસ્થિ લેવા જતા નથી. આથી ના છૂટકે સ્મશાનગૃહના સંચાલકો દ્વારા આવા અસ્થિને પોતાની રીતે હરિદ્વાર વિસર્જન કરવા જવું પડે છે.