દેશમાં ઓમિક્રોનના કહેર વચ્ચે 41 લાખથી વધુ કિશોરોએ લીધો કોવિડ-19 વિરોધી રસીનો પ્રથમ ડોઝ

કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન પોતાનો કહેર વરસાવી રહ્યો છે. પટનાની નાલંદા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં આજે 87 ડોકટરો કોવિડ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. કર્ણાટકમાં ઓમિક્રોનના 10 નવા કેસના વધારા સાથે રાજ્યમાં આંકડો 76 પર પહોંચી ગયો છે. આરોગ્ય વિભાગે આપેલી માહિતી અનુસાર, રવિવારે 123 ઓમિક્રોન કેસ આવ્યા બાદ ભારતમાં કુલ આંકડો 1855ને પાર કરી ગયો છે. ગુજરાતમાં ઓમિક્રોનના 16 નવા કેસ નોંધાયા હતા, જે બાદ રાજ્યમાં આવા કેસોની સંખ્યા વધીને 152 થઈ ગઈ છે. આજે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 68 દર્દીઓ છે, જયારે આજે હરિયાણામાં ઓમિક્રોનના વધુ 8 કેસ સામે આવ્યા છે, જેની સાથે જ આંકડો 71 પર પહોંચી ગયો છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 33,750 નવા કોવિડ કેસ નોંધાયા છે અને 10,846 લોકો સાજા થયા છે જ્યારે 123 લોકોના મોત થયા છે. સક્રિય કેસ વધીને 1,45,582 અને મૃતકોની કુલ સંખ્યા 4,81,893 થઈ ગઈ છે. દિલ્હી, મહારાષ્ટ્ર, બંગાળ સહિત દેશના ઘણા રાજ્યોમાં નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આને કોરોનાની ત્રીજી લહેરનો સંકેત માનવામાં આવી રહ્યો છે.

ચાલો જોઈએ કે કયા રાજ્યમાં ઓમિક્રોનના કેટલા કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં 578 કેસ, દિલ્હીમાં 351 કેસ, તમિલનાડુમાં 118 કેસ, ગુજરાતમાં 152 કેસ, કેરળમાં 181 કેસ, રાજસ્થાનમાં 121 કેસ, તેલંગાણામાં 84 કેસ, હરિયાણામાં 71 કેસ, કર્ણાટકમાં 76 કેસ, આંધ્ર પ્રદેશમાં 17 કેસ, પશ્ચિમ બંગાળમાં 17 કેસ, ઓડિશામાં 37 કેસ, મધ્ય પ્રદેશમાં 9 કેસ, ઉત્તર પ્રદેશમાં 8 કેસ, ઉત્તરાખંડમાં 8 કેસ, ચંદીગઢમાં 3 કેસ, જમ્મુ અને કાશ્મીરમાં 3 કેસ, આંદામાન અને નિકોબાર ટાપુઓ પર 2 કેસ, લદ્દાખમાં 1 કેસ, હિમાચલ પ્રદેશમાં 1 કેસ, ગોવામાં 5 કેસ, મણિપુરમાં 1 કેસ, પંજાબમાં 1 કેસ, એમ કુલ 1855 કેસ સામે આવ્યા છે.

જો કે સોમવારે ભલે આટલા કેસ સામે આવ્યા પણ દેશમાં રસીકરણ ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે જે અંતર્ગત 15-18 વયજૂથના 41 લાખથી વધુ કિશોરોએ તેમની કોવિડ-19 વિરોધી રસીનો પ્રથમ ડોઝ લીધો.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે સોમવારે 15 થી 18 વયજૂથમાં રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે રાત્રે 8 વાગ્યા સુધી 41 લાખથી વધુ કિશોરોએ કોવિડ-19 વિરોધી રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો હતો. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં 146.61 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. સોમવારે રાત્રે 10.15 વાગ્યા સુધી 98 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. 1 જાન્યુઆરીએ રસીકરણની નોંધણી શરૂ થયા બાદ રાત્રે 10.15 વાગ્યા સુધી કોવિન પોર્ટલ પર 53 લાખથી વધુ કિશોરોએ આ રસી લેવા માટે નોંધણી કરાવી છે.

 

Scroll to Top