પિતાના મોતના સમાચાર સાંભળી 11 વર્ષની દીકરીએ પણ કુવામાં કૂદીને આપી દીધો જીવ

મધ્યપ્રદેશના અશોકનગરથી હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે. એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયા બાદ તેની 11 વર્ષની દીકરીને આ વાતની જાણ થતાં જ તેણે કૂવામાં કૂદી પોતાનો જીવ આપી દીધો હતો. લોકોએ તેને બહાર કાઢી ત્યાં સુધીમાં તેના પ્રાણપંખેરૂં ઉડી ગયા હતા. જેણે પણ પિતા-પુત્રીની અર્થીને ઘરમાંથી એકસાથે નીકળતા જોઇ તેની આંખો ભીની થઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ, મામલો અશોકનગર જિલ્લાના બરખેડા જાગીર ગામનો છે. એવું કહેવામાં આવ્યું હતું કે ગામમાં રહેતા 36 વર્ષીય રામબાબુ ધાકડને શુક્રવારે સવારે હાર્ટ એટેક આવ્યો હતો. રામબાબુ એક ખેડૂત તરીકે ખેતી કરતા હતા. શુક્રવારે સવારે તેઓ ખેતરમાં ગયા હતા. થોડા સમય પછી તે ખેતરમાંથી ઘરે પાછા ફર્યા અને છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ કરી. પરિવાર રામબાબુને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ સમાચાર ઘરે પહોંચતા જ શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. રામબાબુની 11 વર્ષની પુત્રી સાધના આ આઘાત સહન કરી શકી નહીં. તે ઘરેથી ભાગીને ખેતરમાં આવેલા કૂવા પાસે પહોંચી ગઇ હતી અને કૂદી પડી હતી.

અહીં પરિવારજનોને બાળકીના ભાગી જવાના સમાચાર મળતા તેઓ પણ ખેતરમાં પહોંચ્યા પરંતુ ત્યાં કોઈ દેખાયું નહીં. કૂવાની બહાર તેના ચપ્પલ જોઈને તેણે અંદર જોયું તો સાધનાની લાશ પડી હતી. ગ્રામજનોએ ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરી હતી. લગભગ બે કલાક બાદ બાળકીની લાશને કૂવામાંથી બહાર કાઢી શકાઈ હતી.

રામબાબુને ત્રણ પુત્રીઓ અને એક પુત્ર છે. દીકરો સૌથી નાનો છે. 11 વર્ષની સાધના સાતમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. પરિવારમાં પિતા-પુત્રીના એક સાથે મોતના કારણે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. બપોરે પિતા-પુત્રીની અર્થી એક સાથે ઊઠી હતીય. આ દ્રશ્ય જોઈ સૌની આંખોમાં આંસુ આવી ગયા. બંનેના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Scroll to Top