સુરતઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈ-વે પર મોડી રાત્રે વલસાડ નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. જ્યારે એકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કાર ડિવાઈડર કૂદાવી રોંગ સાઈડમાં ઉભેલી ટ્રકમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો.
કાર ડિવાઈડર કૂદાવી રોંગ સાઈડમાં ઘૂસી ગઈ
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈ-વે પર મોડી રાત્રે વલસાડ નજીક અમદાવાદ પાર્સિંગની કાર(GJ-01-KJ-5622) પસાર થઈ રહી હતી. કારમાં બે લોકો સવાર હતા. દરમિયાન અચાનક ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદાવી રોંગ સાઈડમાં જતી રહી હતી.જ્યાં એક રોડની સાઈડમાં ઉભેલી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. જેથી એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એકને ગંભીર ઈજા પહોંચી હતી.
કારના આગળના ભાગનો કડૂચલો વળી ગયો
ધડાકાભેર સર્જાયેલા અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. જ્યારે અકસ્માતના કારણે હાઈ વે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. અને ટ્રાફિક રાબેતા મુજબ કરાવ્યો હતો. જ્યારે કારનો આગળનો ભાગ કડૂચલો વળી જતા ડ્રાઈવર કારમાં ફસાઈ ગયો હતો. જેને ભારે જહેમતે બહરા કાઢ્યો હતો