India

અશિક્ષીત ગુજરાત વિધાનસભા 182માંથી 63 ધારાસભ્યો માત્ર 10 પાસ, 8 તો અભણ એમાં સૌથી વધુ ભાજપના

ગાંધીનગર: એડીઆર અને ગુજરાત ઈલેક્શન વોચ દ્વારા ગુજરાતના ધારાસભ્યોની આવક, વ્યવસાય અને લાયકાત અંગેની વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ 182 ધારાસભ્ય પૈકી 21 ધારાસભ્યો પોતાની આવકની વિગતો જાહેર કરી નથી. 161 ધારાસભ્યો ચૂંટણીપંચસમક્ષ વિગતો જાહેર કરી છે તે મુજબ ગુજરાતના 63 ધારાસભ્ય માત્ર ધોરણ-10 સુધી જ ભણેલાં છે. જેમાં ભાજપના 38, કોંગ્રેસના 24 અને એક ધારાસભ્ય અન્ય પક્ષના છે. આ સરવેમાં 56 ધારાસભ્યો પોતે વ્યવસાયે ખેડૂત હોવાનું દર્શાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, એડીઆરના સરવે મુજબ જે ધારાસભ્ય માત્ર ધોરણ-5 સુધી ભણેલા છે તેમની સરેરાશ વાર્ષિક આવક રૂ. 6.59 લાખ છે. 85 ધારાસભ્યની શૈક્ષણિક લાયકાત 5 થી 12 ધોરણ વચ્ચે છે, તેમની સરેરાશ વાર્ષિક આવક રૂ.19.83 લાખ છે.

જ્યારે ગ્રેજ્યુએટ અથવા તેથી વધુ ભણેલા 63 ધારાસભ્યની સરેરાશ વાર્ષિક આવક રૂ.14.37 લાખ છે. 4 ધારાસભ્યોએ તેમનો વ્યવસાય રિયલ એસ્ટેટનો હોવાનું દર્શાવ્યું છે, તેમની સરેરાશ વાર્ષિક આવક રૂ.76.35 લાખ છે. વ્યવસાયે સામાજિક કાર્યકર હોવાનું દર્શાવનારા 5 ધારાસભ્યની સરેરાશ વાર્ષિક આવક રૂ.6.24 લાખ જેટલી છે. ગુજરાતના 161 ધારાસભ્યની સરેરાશ વાર્ષિક આવક રૂ.18.80 લાખ છે.

8 અશિક્ષિત ધારાસભ્યોમાં ભાજપના પબુભા માણેકની આવક સૌથી વધુ

એડીઆરે આપેલી વિગતો મુજબ 8 ધારાસભ્યો અશિક્ષિત છે. જેમાં ભાજપના 5 અને કોંગ્રેસના 3 ધારાસભ્યોનો સમાવાશે થાય છે. અશિક્ષિત ધારાસભ્યો પૈકી ભાજપના દ્વારકા વિધાનસભાના ધારાસભ્ય અને પબુભા માણેકની વાર્ષિક આવક સૌથી વધારે રૂ. 2.67 કરોડથી વધુ છે. જ્યારે 6 ધારાસભ્યો માત્ર ધોરણ-5 સુધી જ ભણેલા છે, જેમાં ભાજપ અને કોંગ્રેસ બન્નેમાં 3-3 ધારાસભ્યોનો સમાવેશ થાય છે.

10 સુધી ભણેલા ભાજપના ધારાસભ્ય ધનજીભાઈ પટેલની આવક રૂ.3.90 કરોડ

વ્યવસાયે ખેડૂત એવા ભાજપના વઢવાણના ધારાસભ્ય ધનજીભાઈ પટેલની વાર્ષિક આવક રૂ.3.90 કરોડ છે જે સૌથી વધુ છે. જ્યારે ભાજપના અકોટાના ધારાસભ્ય સીમાબેન મોહિલેની વાર્ષિક આવક સૌથી ઓછી રૂ.69.34 હજાર છે.

મેવાણી સહિત 21એ આવક જાહેર કરી નથી

કુલ 181 પૈકી 21 ધારાસભ્યોએ પોતાની આવક દર્શાવી નથી. આવક ન દર્શાવનારા ધારાસભ્યોમાં કોંગ્રેસના 10, ભાજપના 8 અને બે અપક્ષ ધારાસભ્યો તેમજ એક અન્ય પક્ષમાંથી છે. વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ પોતાની આવક દર્શાવી નથી.

રૂપાણીની આવક રૂ.18 લાખ

મુખ્યમંત્રી વિજય રૂપાણીની વાર્ષિક આવક રૂ. 18 લાખ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની વાર્ષિક આવક રૂ. 11.73 લાખ દર્શાવાઈ છે. જ્યારે એલઆઈસી એજન્ટ અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની વાર્ષિક આવક રૂ. 7.75 લાખ દર્શાવવામાં આવી છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને અમિત ચાવડાની આવક લગભગ એક સરખી 8 લાખથી વધુ દર્શાવવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker