અમદાવાદ અને સુરતના કેસમાં જામીન મળ્યા બાદ પાસના નેતા અલ્પેશ કથિરીયાને રવિવારે જેલમાંથી મુકિત કરવામાં આવ્યો. પાટીદારો દ્વારા અલ્પેશનું ખૂબ ઉત્સાહ પૂર્વક સ્વાગત કરી 500 થી વધુ લોકો લાંજપોર જેલથી રેલીનું આયોજન કરવામાં આવ્યું.
હાર્દિક મળવા માટે લાંજપોર જેલ પહોંચ્યો હતો..
શુક્રવારે સુરત આવેલા હાર્દિક પટેલ લાંજપોર જેલ અલ્પેશને મળવા ગયો હતો પણ તેને મુલાકાત ન કરવા દેતા તે અલ્પેશના પરિવારજનોને મળ્યો હતો.જેલમાંથી મુક્ત થયા બાદ અલ્પેશે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તે સમાજ માટે લડતો રહેશે. આ સાથે પાટીદાર આંદોલન ચાલું જ રહેશે તેવી જાહેરાત કરી હતી.\
અમરોલી પોલીસે રાજદ્રોહનો ગુનો નોંધ્યો હતો
પાટીદાર આંદોલન સમયે 18મી ઓક્ટોબર 2015ના રોજ અમરોલી પોલીસ મથકમાં હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા વિપુલ દેસાઇ અને ચિરાગ દેસાઇ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો. પોલીસ ફરિયાદ મુજબ હાર્દિક પટેલે વિપુલ દેસાઇને તેના ઘરે આશ્વાસન આપતી વખતે ‘બે-ચાર પોલીસવાળાને મારી નાંખ, બાકી પાટીદારનો દીકરો મરે નહીં’ એવા ઉશ્કેરણીજનક શબ્દો કહ્યાં હતા. જે અંગેનો ગુનો નોંધાયા બાદ પોલીસે આ કેસની કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં અલ્પેશ કથીરિયાને વોન્ટેડ જાહેર કર્યો હતો. સાડા ત્રણ મહિના પહેલા અમદાવાદ પોલીસે કથીરિયાની ધરપકડ કરી સાબરમતી જેલભેગો કર્યો હતો. બીજીતરફ સુરત પોલીસે અહીંના કેસ સંદર્ભે ટ્રાન્સફર વોરંટથી તેની ધરપકડ કરી હતી.