પાટીદાર અનામત આંદોલન સમિતિનો કન્વીનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 12મો દિવસ છે, ત્યારે પાટીદાર સમાજની 6 સંસ્થાઓ દ્વારા સરકાર સાથે મંત્રણા બાદ હાર્દિકને પારણા કરવા માટે કહેવામાં આવતા PAAS દ્વારા માંગ પૂરી ન થાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે, તેવું સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે.
ભાજપ ચિંતામાં
આ સિવાય PAASએ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપના નેતાઓને ટેન્શનમાં મૂકી દીધા છે. PAASની ટીમ દ્વારા આવતીકાલથી રાજ્યના તમામ ધારાસભ્ય,સાંસદોને ફોન કરવામાં આવશે અને તેમને પાટીદારોને અનામત અને ખેડૂતોનું દેવું માફ કરવા અંગે સવાલ પૂછવામાં આવશે અને આ ફોન કોલનું રેકોર્ડિંગ પણ કરવામાં આવશે. એટલે પાટીદાર નેતાઓ ધરમસંકટમાં મૂકાવાના છે, તે પાક્કું છે.
જાણો શું કહ્યું હતું મનોજ પનારાએ…
PAAS કન્વીનર મનોજ પનારાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું હતું કે આંદોલનનાં આગામી કાર્યક્રમો અંગે માહિતી આપવા માટે દરરોજ PAASની ઓથોરાઈઝ એક પ્રેસ કોન્ફરન્સ થાય છે, જે પૈકીની આ એક પ્રેસ કોન્ફરન્સ છે. હાર્દિક પટેલ સહિત તમામ PAAS કાર્યકર્તાઓની ચર્ચામાં આંદોલનને લગતાં કેટલાક કાર્યક્રમો નક્કી થયા છે તેની જાણ આ કોન્ફરન્સમાં કરવામાં આવી હતી.
આગામી કાર્યક્રમ
PAASનાં કન્વીનર મનોજ પનારાએ આંદોલનના આગામી કાર્યક્રમો જાહેર કરતા જણાવ્યું હતું કે, તારીખ 06/09/2018ને ગુરુવારના રોજ PAAS સમિતિ અને ગુજરાતનાં ખેડૂત સમાજના લોકો ગુજરાતના 182 MLA, 26 સાંસદ સભ્યો અને ગુજરાતના તમામ રાજ્યસભાના મેમ્બરોને ફોન કરીને ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં અને પાટીદાર સમાજને અનામત મળવું જોઈએ કે નહીં તે બાબતે સવાલ કરશે અને જે જવાબ સામેથી મળશે તેને રેકોર્ડ કરવામાં આવશે અને તેને હાર્દિકની છાવણી સુધી પહોંચાડવામાં આવશે.
નેતાઓને કરશે કોલ
મનોજ પનારાએ વધુમાં જણાવ્યું હતું કે, અમે આ તમામ વાતચીત શાંતિ પૂર્ણ રીતે કરીશું. મીડિયાના માધ્યમથી તમામ MP અને ધારાસભ્યેને વિનંતી કરવામાં આવે છે કે આવતીકાલે તમારા મોબાઈલ ચાલુ રાખજો, ખેડૂત સમાજે તમને વોટ અને ઘણીબધી સત્તા આપી છે એટલે તમારે જવાબ અપાવો જરૂરી છે. અમે શાંતિપૂર્ણ વ્યવહાર અને વર્તન કરીશું અને તમે પણ તમારો જવાબ શાંતિપૂર્ણ રીતે આપજો. જો તમારો મોબાઈલ બંધ હશે તો અમે એવું માનીશું કે તમે ખેડૂતોના સમર્થનમાં નથી.
ધારાસભ્યો,સાંસદોના ઘરે જશે
મનોજ પનારાએ વધુમાં કહ્યું હતું કે, તારીખ 07/09/2018ને શુક્રવારના રોજ 182 MLA, 26 સાંસદ સભ્યો અને ગુજરાતના તમામ રાજ્યસભાના મેમ્બરોની ઓફિસે અમે એક ફોર્મ લઈને જઈશુ અને જો તે ઓફિસે નહીં મળે તો તેમના ઘરે જઈશુ અને ઘરે પણ નહીં મળે તો ગાંધીનગર તેમના નિવાસ્થાન પર જઈશુ. તમે ગુજરાતના ખેડૂતોને શું સંદેશો આપવા માંગો છો અને ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થાય તેવું તમે ઈચ્છો છો? તેવા લખાણવાળું ફોર્મ આપીશું અને ફોર્મ પર તેમની સહી કરાવશું.
જો તે સહમત હશે તો સહી કરીને તેમનો અભિપ્રાય લખશે અને જે MLA અને સાંસદ સહી નહિ કરે તો અમે એવું એવું માનીશું કે તે ખેડૂતોના દેવા માફીમાં અને હાર્દિકના ઉપવાસના સમર્થનમાં નથી. આ કાર્યક્રમ બાદ અમારા પરીદાર સમાજની ધાર્મિક સંસ્થા ઊંઝા, કાગવડ, સીદસર અને ગથિલા માતાજીના ધામમાં પાટીદાર સમાજના તમામ ભાઈઓ અને બહેનો હાર્દિક પટેલના સારા આરોગ્ય અને હિટલરશાહી સરકાર સામે લડવાની શક્તિમળે તે માટે માટે માતાજીની 3 કલાક પૂજા અર્ચના અર્ને પ્રાર્થના કરીશું.
અન્ય કાર્યક્રમ
આંદોલનના ત્રીજા કાર્યક્રમ અંગે જાણ કરતા મનોજ પનારાએ જણાવ્યું હતું કે તારીખ 09/09/2018ને રવિવારના રોજ પાટણમાં મા ખોડલના મંદિરેથી ખેડૂતો ઉમાખોડલનો રથ લઈને ઊંઝા ધામ આવશે. રસ્તામાં આવતા તમામ ગામનાં લોકો રથનું સ્વાગત કરશે. માતાજીનો રથ ઊંઝા ધામ પહોંચ્યા બાદ તમામ લોકો સરકારને સદબુદ્ધિ આવે, પાટીદાર સમાજને અનામત મળે, ખેડૂતોના દેવા માફ થાય અને હાર્દિક પટેલના સારા આરોગ્ય માટે પ્રાર્થના કરશે.
સી. કે. પટેલ દ્વારા સરકાર સાથે થયેલી વાતચીત બાબતે મનોજ પનારાએ જણાવ્યું હતું કે, સી. કે. પટેલ સમાજની સંસ્થા સાથે જોડાયેલા હશે પણ તે ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે. પાટીદાર હોવાના કારણે લાગણીમાં આવીને તેમણે સરકાર સાથે વાતચિત કરવી હોય તો અમને તેની સામે કોઈ વાંધો નથી. પણ PAASની ઓથોરાઇઝ ટીમ અને હાર્દિક પટેલ સાથે સી. કે. પટેલે કોઈ ચર્ચા કરી નથી. પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાના જે કોઈપણ મુરબ્બીઓ હાર્દિક પટેલની મુલાકાતે આવ્યા હતા, તેમની સાથે પારણાં કરવા કે અન્ય કોઈ બાબતે હાર્દિક પટેલ સાથે ચર્ચા થઇ નથી. જે મુલાકાત હતી તે ઔપચારિક અને હાર્દિકનના સારા સ્વાસ્થ્ય તેમજ વડિલોના આશીર્વાદ માટે શુભેચ્છા મુલાકાત હતી.
પાસના અન્ય નેતાઓનું માનવું નહીં
મનોજ પનારાએ PAASના નામે ચરી ખાનારા લોકો વિશે જણાવતા કહ્યું કે, જે લોકો PAASના નામે ચરી ખાય છે પોતાને PAASના નેતા બતાવે છે તેઓ હજી સુધી હાર્દિક પટેલની મુલાકાત લેવા પણ આવ્યા નથી. એટલે આવા PAASના નામે ચરી ખાનારા લોકોને PAASના આગેવાન ગણવા નહીં. હાર્દિક પટેલ અથવા તો મારું જે સ્ટેટમેન્ટ આવે તે જ તમારે માન્ય રાખવું. હાર્દિક પટેલ અને મનોજ પનારા બે લોકો જ ઓથોરાઇઝ છે. આ બે વ્યક્તિ સિવાય બીજા કોઈની પણ વાત મીડિયાના મિત્રોને માનવી નહીં.
આ ઉપરાંત સી. કે પટેલ અનેક નિવેદનો આપે છે અને વાતો કરે છે, પણ તેમને હજુ સુધી હાર્દિકને મળવાનો સમય મળ્યો નથી. એટલે ક્યાંકને ક્યાંક એવું લાગે કે સી. કે. પટેલ ભાજપના એજન્ટ બનીને પાટીદાર સમાજના અનામત અને ખેડૂતોના દેવા માફીની વાતમાં વિલનની ભૂમિકા ભજવી રહ્યા હોઈ તેવી શંકા ઊભી કરે. જો સરકાર ખરેખર અનામત અને ખેડૂતોના દેવા માફી મુદ્દે સહમત હોય તો આજ સાંજ સુધીમાં હાર્દિક પટેલ સાથે વાતચિત કરી શકે છે