પડધરી: અમદાવાદમાં હાર્દિક પટેલના ઉપવાસનો આજે છઠ્ઠો દિવસ છે. હાર્દિક પટેલના નિવાસસ્થાને પાટીદારોને જતા અટકાવવા બાબતે આજે પડધરી પાસ ટીમે રેલી સ્વરૂપે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં હાર્દિક પટેલના નિવાસસ્થાને પાટીદાર લોકોને મળવા જવા દો. તેમજ ખેડૂતોના દેવા માફ કરો તેવી રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાત પાસના સહ કન્વીનર અલ્પેશ કથીરીયાને મુક્ત કરો
ગુજરાત પાસના સહ કન્વીનર અલ્પેશ કથીરીયા ઉપર ત્રણ વર્ષ પહેલા લગાવેલા રાજદ્રોહના ગુનામાં ત્રણ વર્ષ પછી ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે. પાટીદાર સમાજની માંગ છે કે અલ્પેશ કથીરીયાને જેલ મુક્ત કરવામાં આવે.
સિહોરના સુરકા ગામે પાટીદારોએ અચોક્કસ ઉપવાસ છાવણી શરૂ કરી
હાર્દિક પટેલના સમર્થનમાં સિહોર તાલુકાના સુરકા ગામે પાટીદારોએ અચોક્કસ ઉપવાસ છાવણી શરૂ કરી છે. જેમાં 150થી વધુ લોકો જોડાયા છે. ઉપવાસ છાવણીને લઇને પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. કેશુ ભગત નામના વ્યક્તિ આમરણ ઉપવાસ પર બેઠા છે. મહિલાઓ દ્વારા પણ થાળી વગાડી સમર્થન આપવામાં આવ્યું છે.
છેલ્લા પાંચ દિવસથી અન્નનો ત્યાગ કરી ચૂકેલા હાર્દિકે હવે જળનો પણ ત્યાગ કર્યો છે. હાર્દિકના બોલવા પર પણ હવે ઉપવાસની અસર વર્તાઈ રહી છે. હવે તે મોટાભાગે સૂતેલો જ રહે છે. આજે દિલ્હીથી આમ આદમી પાર્ટીના એમએલએ કર્નલ દેવેન્દ્ર શેરાવત (રિટાયર્ડ)એ હાર્દિકની મુલાકાત લીધી હતી.
ગઈકાલે સાંજે કરેલા એફબી લાઈવમાં હાર્દિકે ભાજપના પાટીદાર ધારાસભ્યો પર પણ હુમલો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, ઉપવાસના આટલા સમય પછી પણ એકેય પાટીદાર ધારાસભ્ય આ આંદોલન વિશે કંઈ નથી બોલતા. હાર્દિકે જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં અન્ના હજારેએ ઉપવાસ કર્યા ત્યારે ભાજપના લોકો તેમને સત્યાગ્રહી કહેતા, અને ભાજપના રાજમાં કોઈ ઉપવાસ કરે તો તેને કોંગ્રેસના એજન્ટમાં ખપાવી દેવાય છે.
હાર્દિકે જાહેર કર્યું છે કે સરકાર ભલે ગમે તેટલા પ્રયાસ કરે, પરંતુ તે પોતાની માગણી ન સ્વિકારાય ત્યાં સુધી ઉપવાસ નહીં છોડે. તેણે તેમ પણ કહ્યું હતું કે, જો પોલીસ જબરજસ્તી તેને હોસ્પિટલમાં લઈ જશે તો પણ તે કોઈપણ ભોગે સારવાર નહીં લે. હાર્દિકે કહ્યું હતું કે, તે સંપૂર્ણપણે લડવા તૈયાર છે. અત્યાર સુધી ટ્વેન્ટી-ટ્વેન્ટી રમતા હતા, હવે ટેસ્ટ મેચ શરુ થઈ છે.
પોતાના ફેસબુક લાઈવમાં હાર્દિકે કહ્યું હતું કે, તે ગુરુવારે પોતાનું વીલ પણ જાહેર કરી દેશે. પોતાના ટીકાકારો પર નિશાન તાકતા હાર્દિકે કહ્યું હતું કે, મારા બેંક અકાઉન્ટ, મારા નામે રહેલી વસ્તુઓ તેમજ મારા વીમાની રકમ કોને મળશે તે જાહેરાત કરશે. હાર્દિકે કહ્યું હતું કે, મારા પરિવારને થોડી-ઘણી રકમ આપી બાકીની રકમ સમાજ સેવા માટે વાપરવા તે વસિયત જાહેર કરશે.
સરકાર પર ગંભીર આક્ષેપ કરતા હાર્દિકે કહ્યું હતું કે, સરકાર દ્વારા મારું મેડિકલ ચેક-અપ થાય છે પરંતુ તેના કોઈ રિપોર્ટ મારા ડોક્ટરને આપવામાં નથી આવતા. મારે ખાનગી ડોક્ટરને બોલાવી મારું બ્લડ ચેક કરાવવું પડ્યું છે. હાર્દિકે એવો આક્ષેપ પણ કર્યો હતો કે, સરકાર ખોટા ઈન્જેક્શનો આપી મારી કિડની ફેલ કરવાનો પ્રયાસ કરે છે.
હાર્દિકે પોતાના સમર્થકોને પણ અપીલ કરી હતી કે, તેઓ તેને મળવા આવવાના બદલે પોતાના ગામમાં જ ઉપવાસ શરુ કરી દે, જેનાથી સરકાર પર દબાણ આવે. તેણે જણાવ્યું હતું કે, પોલીસની દાદાગીરી સામે અમે હાઈકોર્ટમાં અપીલ પણ કરી છે. ખેડૂતોના પ્રશ્નો અંગે હાર્દિકે કહ્યું હતું કે, જેતપુરમાં ભાજપના જ મંત્રી ખેડૂતોને પાક વીમો ન મળતા બેંક બંધ કરાવવા જતા હોય તે જ સાબિત કરે છે કે ખેડૂતો પરેશાન છે.
હાર્દિકે આજે જણાવ્યું હતું કે, દેશની સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે લોકતંત્રમાં જનતાનો અવાજ કોઈ સરકાર દબાવી ન શકે, જો તેનો અવાજ દબાવાશે તો મોટો વિસ્ફોટ થશે. ગુજરાતમાં જે રીતે જનતાનો અવાજ દબાવાઈ રહ્યો છે, તેને જોતા હું દાવા સાથે કહું છું કે ગુજરાતમાં હવે સંપૂર્ણ લોકક્રાંતિનું આહ્વાન થયું છે. સત્તા વિરુદ્ધ વિસ્ફોટ થવાનું નક્કી છે. ઈન્દિરા ગાંધીની સરકાર સામે જે લોકક્રાંતિ થઈ હતી, તેવી ક્રાંતિ હવે ભાજપના મોદી રાજમાં થવાનું નક્કી છે.