UN : આતંકવાદ મુદ્દે ઉઘાડા પડ્યા બાદ પાકે ઉછાળ્યા RSS, યોગીના નામ

નવી દિલ્હી : આતંકવાદ મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં સુષમા સ્વરાજ દ્વારા ઝાટકણી કાઢ્યા બાદ પાકિસ્તાને રાષ્ટ્રીય સ્વયંસેવક અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પર નિશાન તાકવાનો પ્રયત્ન કર્યો છે. UNમાં પાકિસ્તાનના રાજદૂત સાદ વરાઈચે રવિવારે કહ્યું કે, ‘આજના અસહિષ્ણુ ભારતમાં અસહમતિ માટે કોઈ સ્થાન નથી.’ સાદે RSS પર ફાસીવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો.
પાકિસ્તાની રાજદૂતે ‘રાઈટ ટુ રિપ્લાઈ’ અંતર્ગત જવાબ આપતા કહ્યું, ‘RSS અમારા ક્ષેત્રમાં આતંકવાદને પ્રોત્સાહિત કરનારા ફાસીવાદનું કેન્દ્ર છે.’ સાદે એમ પણ કહ્યું કે, ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી એક અતિવાદી હિન્દુ છે, જે ખુલ્લી રીતે માત્ર હિન્દુત્વને પ્રોત્સાહન આપે છે. તેમણે કહ્યું કે, ‘ભારતના અલ્પસંખ્યક સમુદાયના સભ્ય મુસ્લિમ અને ઈસાઈઓની હિંદુઓ દ્વારા લિંચિંગ કરવામાં આવે છે, બીજી તરફ યોગી આદિત્યનાથ આ ઘટનાઓનું સમર્થન કરે છે.’
ભાજપ અધ્યક્ષ અમિત શાહનું નામ લીધા વિના સાદે કહ્યું કે, અસમમાં રહેતા બંગાળી અચાનક ‘બેઘર’ થઈ ગયા છે અને તેમને ભારતના એક સીનિયર નેતા ‘ઉધઈ’ કહીને બોલાવે છે. સાદે કહ્યું કે, જ્યાં ચર્ચ અને મસ્જિદો સળગાવવામાં આવે છે, તેમને બીજાને કંઈ કહેવાનો અધિકાર નથી.
જણાવી દઈએ કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 73માં સત્રમાં શનિવારે ભારતની વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી હતી. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન એક એવો પડોશી દેશ છે, જેને આતંકવાદ ફેલાવવાની સાથે-સાથે પોતાના કૃત્યો નકારવામાં પણ મહારથ છે. પાકિસ્તાનને આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન ગણાવતાએ સુષમાએ કહ્યું કે, 26/11નો માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ હજુ ખુલ્લેઆમ ઘૂમી રહ્યો છે.
બીજી તરફ રાઈટ ટુ રિપ્લાઈ અંતર્ગત સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનની સેક્રેટરી ઈનમ ગંભીરે રવિવારે પાકિસ્તાન પર એટેક કરતા કહ્યું કે, તે હજુ પણ પોતાના જૂની વાત અડગ છે. તેમણે કહ્યું કે, અમે અહીં નવા પાકિસ્તાનને સાંભળવા માટે આવ્યા હતા, પણ તે હજુય પોતાના જૂના ઢાંચામાંથી નીકળી શક્યું નથી. ગંભીરે કહ્યું કે, પાકિસ્તાનને આતંકવાદના શૈતાન પેદા કરવાનું છોડવું જોઈએ અને તેનાથી ઉપર જોવું જોઈએ. આ શૈતાનોને તેણે પાડોશી દેશોને નુકસાન પહોંચાડવા માટે પેદા કર્યા છે. પાકિસ્તાનમાં ભારત તરફથી આતંકવાદ પ્રાયોજિત કરવાના આરોપનું ખંડન કરતા ઈનમે કહ્યું કે, તેના આરોપ આધારહીન છે. કુરૈશીએ પોતના ભાષણમાં આરોપ લગાવતા કહ્યું હતું કે, 2014માં પેશાવર સ્કૂલ પર થયેલા હુમલામાં કથિતપણે ભારતનો હાથ હતો.