પાકિસ્તાને હાથે કરીને કુવામાં કુદકો માર્યોઃ અમેરિકા સાથે કરી આડોડાઈ…

વિદેશી સૈનિકોની વાપસી બાદ હવે અફઘાનિસ્તાનમાં તાલિબાનને પહોંચી વળવાના મુદ્દે પાકિસ્તાને અમેરિકાને ઝટકો આપ્યો છે. નાટો સહિત વિદેશી સૈનિકોની 11 સપ્ટેમ્બર 2021 સુધી વાપસી બાદ પણ અમેરિકા અફઘાનિસ્તારમાં તાલીબાન પર નજર રાખવા માટે પાકિસ્તાન એરબેઝની માંગ કરી રહ્યું છે. પરંતુ પાકિસ્તાને કહ્યું છે કે, તે અમેરિકાને અફઘાનિસ્તાનમાં કોઈપણ કાર્યવાહી માટે પોતાના સૈન્ય બેઝ અથવા પોતાના ક્ષેત્રના ઉપયોગની મંજૂરી નહી આપે.

વડાપ્રધાન ઇમરાન ખાને સ્પષ્ટપણે કહ્યું છે કે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા માટે અમેરિકાને તેના કોઈપણ એરબેઝ અથવા તેના ક્ષેત્રનો ઉપયોગ કરવા દેશે નહીં. અમેરિકાને એરબેસ આપવાના પ્રશ્નના સંદર્ભમાં વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું, બિલ્કુલ નહીં. આવો કોઈ પણ રસ્તો નથી જેનાથી અમે કોઈપણ પ્રદેશ, પાકિસ્તાન ક્ષેત્રથી અફઘાનિસ્તાનમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહીની અનુમતિ આપવા જઈ રહ્યા છીએ. બિલ્કુલ નહીં.

ઇમરાન ખાનને એક ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે શું તમે અમેરિકન સરકારને અલ-કાયદા, આઈએસઆઈએસ અથવા તાલિબાન વિરુદ્ધ સીમા પાર આતંકવાદ વિરોધી કાર્યવાહી કરવા માટે પાકિસ્તાનમાં રહેવાની સીઆઈએને મંજૂરી આપશો? ત્યારે ઈમરાન ખાને સીધુ જ કહી દીધુ- બિલ્કુલ નહીં.

તો બીજી તરફ તાજેતરમાં સંસદમાં પોતાના ભાષણમાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી માટે અમેરિકાને સૈન્ય મથકો પૂરા પાડવાની શક્યતાને નકારી કાઢી હતી. કુરેશીએ આ આશયના અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે સરકાર ક્યારેય પણ યુએસને સૈન્ય મથકો નહીં આપે અને ન તો પાકિસ્તાનની અંદરથી અફઘાનિસ્તાનમાં ડ્રોન હુમલો કરવાની મંજૂરી આપશે.

Scroll to Top