સુરતઃ જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે યોજાયેલી સભાને ત્રણ વર્ષ થતાં પાસના કન્વિનર હાર્દિક પટેલ દ્વારા ઉપવાસ આજથી શરૂ કરવાની જાહેરાત કરી છે. ત્યારે પરવાનગી ન મળી હોવા છતાં ઉપવાસને લઈને તંત્ર દ્વારા સુરક્ષા બંદોબસ્ત રાજ્યભરમાં કડક કરાયો છે. આ સમયે પાટીદારોના ગઢ ગણાતા વરાછા વિસ્તારમાં સવારથી જ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો છે. જેથી કોઈ અનિચ્છનિય ઘટના ન બને.
નિલેશ કુંભાણી અમદાવાદ જવા રવાના
પાટીદાર અનામત આંદોલનને લઈને સુરતનો વરાછા વિસ્તાર ભારે ચર્ચામાં રહ્યો છે. આંદોલનના એપી સેન્ટર ગણાતા વરાછામાં હાર્દિકના ઉપવાસને લઈને મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે વરાછા, કાપોદ્રા, સરથાણા, મોટા વરાછા, કતારગામ વિસ્તારો માં પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત
ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ હાર્દિકના ઉપવાસમાં સહભાગી થવા માટે કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણી અમદાવાદ જવા રવાના થયા છે.
પોલીસ રાખશે તકેદારી
થોડા દિવસ અગાઉ હાર્દિક અને અલ્પેશ કથિરીયાની ધરપકડ દરમિયાન વરાછા વિસ્તારમાં બીઆરટીએસની બસ સળગાવાઈ હતી. ત્યારે પાસના કાર્યકરોના કોડવર્ડને પોલીસ ઉકેલી શકી નહોતી અને હિંસા થઈ હતી. ત્યારે આ વખતે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ઉપરી અધિકારીઓ દ્વારા તાકીદ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અને કોઈ નાની મોટી અનિચ્છનિય ઘટના ન બને તેની તકેદારી રાખવા જણાવાયું છે.
બપોરે નીકળશે અટલજીનો અસ્થિ કળશ
બપોરે બાર વાગ્યાબાદ વરાછાના હિરાબાગ વિસ્તારમાંથી સ્વ.અટલજીની અસ્થિ કળશ યાત્રા નીકળવાની છે. ત્યારે ભાજપ અને પાસના કાર્યકરો સામ સામે ન આવે કે કોઈ કાંકરીચાળો ન થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્તની સાથે સાથે આ ઘટના પોલીસ માટે થોડી ચેલેન્જ રૂપ બને તેમ માનવામાં આવી રહ્યું છે