પાટણમાં સિદ્ધપુરના તાવડિયા પાસે રઝળતી હાલતમાં ભ્રૂણ મળી આવ્યા છે. પ્લાસ્ટિકની બોટલોમાં ભ્રુણ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આરોગ્ય વિભાગ સમગ્ર ઘટનાથી અજાણ છે. ગામની અવાવરુ જગ્યાએ ફેંકાયેલી હાલતમાં સ્થાનિકોને જોવા મળ્યા હતા.
આ ચકચારી ઘટનાની વિગતો એવી છે કે આજે સિદ્ધપુરના તાવડિયા ગામ નજીક રોડ પરથી 13 જેટલા ભ્રુણ પ્લાસ્ટિકના ડબ્બામાંથી મળી આવ્યા હતા. આ જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. લોકોમાં માનવતાના હત્યારાઓ માટે ફિટકાર વરસી રહ્યો હતો.
પ્લાસ્ટિકની બોટલોમાં નવજાત શિશુઓનાં ભ્રૃણ મળી આવ્યા હતા. ભ્રૃણને જોતાં જ સ્થાનિકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. અને આ મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસને ઘટનાસ્થળ પરથી પ્લાસ્ટિકની 13 બોટલો મળી આવી હતી. અને તમામ બોટલોમાં ભ્રૃણના અવશેષો હતા.
જોકે, કેટલાક ભ્રુણ તો સ્પષ્ટપણે માનવ ભ્રુણ હોવાની જ વિગતો છે જ્યારે અન્ય ગાંઠ સ્વરૂપ દેખાતા ભ્રુણ ફોરેન્સિક તપાસનો વિષય બની ગયો છે તે ગાંઠો છે કે ભ્રુણ તેના અંગે પણ સવાલો થઈ રહ્યા છે.
આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગેરકાયદે ગર્ભપાતની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ મહિસાગરના સંતરામપુરમાં નર્સો દ્વારા ગેરકાયદે અમાનવીય ગર્ભપાત કરાવાતો હોવાનો એક વીડિયો વાઈરલ થયો હતો.