પાટણમાં દલિત પરિવારના જમીન અધિકારની માગ સાથે આત્મવિલોપન કરનારા સામાજિક કાર્યકર્તા ભાનુ વણકરના પરિવારની તમામ માગણી રાજ્ય સરકારે સ્વીકારી છે. શનિવારે સાંજે પ્રેસ કોન્ફરન્સ યોજી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે, સરકારે ભાનુ વણકરના પરિવારની તમામ માગણીઓ સ્વીકારી લીધી છે તથા દલિતોની જમીનોના પેન્ડિંગ કેસોની સુનાવણી પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. તેમણે આત્મવિલોપન કરનારા ભાનુભાઈના પરિવારજનોને બે તબક્કે કુલ આઠ લાખ આપવાની જાહેરાત કરી છે.
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પાટણની આ ઘટનાને ગુજરાત માટે કમનસીબ ગણાવી છે. આ સાથે તેમણે જમીન માગણી કરનારા પરિવાર તથા મૃતક ભાનુભાઈના પરિવારને શક્ય તેટલી મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘ખાસ કિસ્સામાં આ જમીન પરિવારના વારસાગત નામે ચઢાવવાનો નિર્ણય કરાયો છે. ટૂંક સમયમાં કાયદાકીય રીતે જમીન તેમના નામે ચઢાવાશે.’ ઉપરાંત પીડિત પરિવારના એક સરકારી કર્મચારીને પણ ઈચ્છા મુજબની બદલી કરી આપવાની માગણી સરકારે સ્વીકારી છે.
નીતિન પટેલે કહ્યું છે કે, ‘દલિત કાર્યકર્તા ભાનુભાઈના પરિવારને એટ્રોસિટી એક્ટ અંતર્ગત 8 લાખ રૂપિયા મળવાપાત્ર છે. તેમાંથી તાત્કાલિક ધોરણે 4 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘તેમની સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા એપોલો હોસ્પિટલને ચૂકવાશે’. આ ઉપરાંત મૃત્યુના બનાવમાં જવાબદારો સામે પગલાં લેવાની પણ જાહેરાત તેમણે કરી છે. આ માટે હાઈ કોર્ટના નિવૃત્ત જજના નિરીક્ષણમાં કે SITની રચના કરીને તપાસનો વિકલ્પ પીડિત પરિવારને આપવામાં આવશે. આ કાર્યવાહીમાં દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું તેમણે આશ્વાસન આપ્યું છે.
નીતિન પટેલે જમીનના પડતર કેસો મામલે પણ જણાવ્યું કે, ‘ભૂતકાળમાં દલિત સમાજને ખેતી માટે ફાળવાયેલી જમીન સરકારે પાછી લીધી હોય અથવા જપ્ત કરી હોય તેવા જૂના અને પડતર કેસોમાં સાનુકૂળ નિર્ણય કરીને જમીન રિગ્રાન્ટ કરવાનો નિર્ણય પણ ટૂંક સમયમાં લેવાશે.’ તેમણે કહ્યું કે, ‘છેલ્લા પાંચ વર્ષમાં અમારી સરકારે 37,50,784 મીટર જપ્ત જમીન રિગ્રાન્ટ કરવાની કામગીરી પૂર્ણ કરી છે.’