અમદાવાદઃ પાટીદાર નેતા હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે આઠમો દિવસ છે. ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામતની માંગણીને લઇને હાર્દિક પટેલ છેલ્લા આઠ દિવસથી ઉપવાસ બેઠો છે. આઠ દિવસમાં હાર્દિક પટેલના વજનમાં સાત કિલોનો ઘટાડો થયો છે. જોકે, આજે હાર્દિક પટેલને ગઢડાના એસપી સ્વામીએ પાણી પીવડાવ્યું હતું. હાર્દિક પટેલે બે દિવસથી પાણીનો ત્યાગ કર્યો હતો પરંતુ બે દિવસ બાદ તેણે પાણી પીધું હતું. જોકે, હાર્દિકે નિશ્વય કર્યો હતો તેણે પાણી પીધું છે પરંતુ સરકાર તેની માંગ સ્વીકારશે નહી ત્યાં સુધી તે અન્નનો એક પણ દાણો ખાશે નહીં.
<હાર્દિકને પાણી પીવડાવ્યા બાદ એસપી સ્વામીએ જણાવ્યું હતું કે, હાર્દિકે સાધુ સંતો અને પાટીદાર સાથીઓની વિનંતી બાદ પાણી પીધું પરંતુ તેણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સરકાર તેની માંગણીઓ સ્વીકારશે નહી ત્યાં સુધી અન્નનો એક પણ ટૂકડો મોંમા મુકશે નહીં.
મળતી વિગતો અનુસાર, હાર્દિક પટેલે ગુરુવારથી પાણીનો ત્યાગ કર્યો હતો પરંતુ સાધુ સંતોની સમજાવટ બાદ હાર્દિક પટેલ આજે પાણી પીવા તૈયાર થયો હતો અને એસપી સ્વામીએ હાર્દિકને પાણી પીવડાવ્યું હતું. હાર્દિકને ડોક્ટરોએ પાણી લેવાની વારંવાર સલાહ આપી હતી. આજે કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ હાર્દિકની મુલાકાત લઇ શકે છે. ઉપવાસ પર ઉતર્યો ત્યારના પ્રથમ દિવસે હાર્દિકનું વજન 78 કિલો આસપાસ હતું. પરંતુ દિવસો વિતવાની સાથે તેના વજનમાં સાત કિલોનો ઘટાડો થયો છે.
આજે મળવા આવશે અમિત ચાવડા
હાર્દિક પટેલના વિજય સંકલ્પ આમણાંત ઉપવાસના આઠમા દિવસે તેને સમર્થન આપવા દેશભરમાંથી લોકો આવવાના છે, ત્યારે આજે બપોરે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પણ મળવા આવશે.
હાર્દિકના ઘરે 24 કલાક એમ્બ્યુલન્સ રાખવા પોલીસે લખ્યો પત્ર
આ દરમિયાન હાર્દિકની તબિયત વધુ ખરાબ થઇ રહી હોવાના અણસાર શરૂ થતા પોલીસ અને ગુજરાત સરકાર ઉંઘતી ના ઝડપાઇ જાય એટલે પાસના અગ્રણી નિખિલ સવાણીને લેખિતમાં સોલા પોલીસની હદમાં ઉપવાસ સ્થળ આવતું હોવાથી ઇન્સ્પેક્ટર દ્વારા જણાવાયું છે કે, હાર્દિકની તબિયતને ધ્યાનમાં રાખીને એક એમ્બ્યુલન્સ તેના નિવાસ સ્થાને 24 કલાક તૈનાત રખાશે. જેથી હાર્દિકને તકલીફ વધે તો એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર માટે લઇ જઇ શકાય.
પોલીસના પત્ર બાદ પણ ન આવી એમ્બ્યુલન્સ
જો કે સોલા પોલીસના આ પત્ર પછી પણ એમ્બ્યુલન્સ નિવાસ સ્થાને આવી નહીં હોવાનું પાસ દ્વારા જણાવામાં આવ્યું હતું. જો હાર્દિકની તબિયતની ચિંતા હોય તો નિવાસ સ્થાને જ એમ્બ્યુલન્સ રાખવા પણ માગણી કરાઇ છે.
અમદાવાદથી સાબરકાંઠા અને સુરતમાં દેખાવો
સરકાર વહેલી તકે માગણીઓ સ્વીકારે અને હાર્દિકના સ્વાસ્થ્ય સારૂ રહે તેમજ સમર્થનમાં અમદાવાદના વસ્ત્રાલમાં સવારે રામધૂનનો કાર્યક્રમ શરૂ કરાયો હતો. તે ઉપરાંત ઘૂમા, સુરેન્દ્રનગર, સુરત તથા સાબરકાંઠાના અનેક ગામમાં પણ ઉપવાસ-દેખાવો યોજાયા હતા.