અમદાવાદઃ આગામી લોકસભા 2019 ચૂંટણી પહેલા ગુજરાતને પાટીદાર મુખ્યમંત્રી મળશે. રાજકીય વર્તુળોમાં હાલ થઈ રહેલી ચર્ચા મુજબ, ટૂંક સમયમાં ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાઈ શકે છે. નવા મુખ્યમંત્રી તરીકે મનસુખભાઇ માંડવિયા અથવા તો નીતિન પટેલ આવી શકે છે. આ અંગે ડિસેમ્બર સુધીમાં નિર્ણય લેવાઈ શકે છે. આજે કમલમમાં 2019ની લોકસભાની ચૂંટણીને નામે મળેલી બેઠકમાં ચૂંટણીની તૈયારીઓને નામે કોઈ અલગ જ વ્યૂહરચના ઘડાઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. મુખ્યમંત્રીની સાથે સાથે પ્રદેશ પ્રમુખ બદલાવાની પણ સંભાવનાઓ છે.
ગુજરાત લોકસભા ચૂંટણી સમિતિ જાહેર થયા બાદ રાજકીય માહોલ ગરમાયો છે અને ગુજરાતના મુખ્યમંત્રી બદલવાને લઈ નવી જ ચર્ચા શરૂ થઈ છે. લોકસભાની ચૂંટણી સમિતિમાં મુખ્યમંત્રી રૂપાણી અને પ્રદેશ પ્રમુખ વાઘાણીના નામ ન હોવાથી મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બદલાય રહ્યા હોવાની ચર્ચા શરૂ થઈ છે.
મોટા ભાગે લોકસભા ચૂંટણી સમિતિમાં પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી હોય છે. પરંતુ પ્રદેશ ભાજપે જાહેર કરેલી સમિતિમાં નીતિન પટેલ અને મનસુખ માંડવિયાનું નામ છે. જેને પગલે ગુજરાતના મુખ્યમંત્રી પદની રેસમાં બે પાટીદાર નેતાઓ એવા નીતિન પટેલ અથવા મનસુખ માંડવિયાના નામ ચર્ચાઈ રહ્યા છે. તેની સાથે સાથે ચૂંટણી સમિતિમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું પણ નામ નથી. આમ પ્રદેશ પ્રમુખને પણ બદલવામાં આવે એવી સંભાવના છે.
કમલમમાં મળી બેઠક
લોકસભા ચૂંટણી અંતર્ગત આજે કમલમ ખાતે ભાજપના પ્રદેશ હોદ્દેદારોની મહત્વની બેઠક મળી હતી. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાને સમગ્ર ચૂંટણીની બાગડોર સોંપવામાં આવી છે.
>કોણ કોણ છે ચૂંટણી સમિતિમાં
જ્યારે અન્ય 11 સભ્યોની લોકસભા ચૂંટણી સમિતિની જાહેરાત કરવામાં આવી હતી. આ સમિતિમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા, ગુજરાત સરકારના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ અને ગણપત વસાવા, બીજેપીના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, ઉપ પ્રમુખ ભાર્ગવ ભટ્ટ અને આઈ.કે. જાડેજા, પૂર્વ મંત્રી શંકર ચૌધરી અને પૂર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકીનો સમાવેશ કરવામાં આવ્યો છે.