દેશભરમાં ચાલી રહેલી ખેડૂતોની 10 દિવસની હડતાળ વચ્ચે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી મધ્ય પ્રદેશના મંદસૌરમાં રેલની સંબોધિત કરવાના છે. આજના દિવસે 2017મા મંદસૌરમાં થયેલા પ્રદર્શન દરમિયાન ખેડૂતોનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાહુલની આ મુલાકાત મહત્ત્વની કહેવાય છે. રેલી પહેલા કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, રાહુલને રેલીમાં શામેલ થવાથી રોકવાની કોશિશ કરવામાં આવી રહી છે.
બીજી બાજુ એવી પણ ખબર સામે આવી છે કે, રાહુલ મંદસૌરમાં ગત વર્ષે મૃત્યુ પામેલા ખેડૂતના પરિવારજનોને પણ મળવાના છે. પરંતુ આ વાત ત્યાંના સરકારી અધિકારીઓને ગમી નથી, એટલે તેમણે ધમકી પણ આપવાનું ચાલુ કરી દીધું હોય તેવું, મૃતકોના પરિવારજનોના જણાવ્યા મુજબ લાગી રહ્યું છે. રાહુલ મંદસૌર પહોંચે તે પહેલા જ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટે પીડિત પરિવારને ધમકી આપી હતી કે, તેઓ રાહુલ ગાંધીને ન મળે.
મંદસૌરમાં ગોળીકાંડમાં અભિષેક પાટીદારનું ગત વર્ષે મૃત્યુ થયું હતું અને રાહુલ આજે તેમના પરિવારને મળવાના હતા, પરંતુ આ અંગે અભિષેક પાટીદારના પરિવારજનોનું કહેવું છે કે, સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટે તેમને ધમકી આપી છે કે, તેઓ રાહુલ ગાંધીને ન મળે.
અભિષેકના મૃત્યુ બાદ સરકારે તેના ભાઈ સંદીપ પાટીદારને નાગપુરમાં વર્ગ 4ની નોકરી આપી છે. તેને ફોન પર સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ આર.કે.વર્માએ ધમકી આપી હતી કે, તું સરકારી નોકરીમાં છે અને જો તારા માતા-પિતા રાહુલ ગાંધીને મળ્યા તો તારી નોકરી પણ જઈ શકે છે. મંદસૌરમાં લગભગ 20 કિમી દૂર ખોખરની એક કોલેજમાં રાહુલ આ રેલીને સંબોધિત કરવાના છે.