સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત આપી છે. રવિવારે ઇંધણની કિંમતમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. શનિવારે પેટ્રોલના ભાવમાં 30-39 પૈસા અને ડીઝલના ભાવમાં 24-32 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો. આ વધારા બાદ દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 100.91 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.88 રૂપિયા પર પહોચી ગયો હતો.
આ સમયે દેશના આશરે 17 રાજ્યમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાની પાર પહોચી ગઇ છે. આ 17 રાજ્યની યાદીમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, લદ્દાખ, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, ઓરિસ્સા, તમિલનાડુ, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ, દિલ્હી અને પોડિચેરી તેમજ પશ્ચિમ બંગાળ સામેલ છે.
જુલાઇ મહિનાની વાત કરીએ તો 10 દિવસમાં 6 દિવસ પેટ્રોલની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. બીજી તરફ ડીઝલની કિંમતમાં 4 વખત વધારો થયો છે. જૂન મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 16 દિવસ વધ્યા હતા. મે 2021માં પણ 16 દિવસ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા હતા.
દેશની ત્રણ ઓઇલ માર્કેટિંગ કંપની HPCL, BPCL અને IOC સવારે 6 વાગ્યા બાદ પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કરે છે. નવા રેટ્સ માટે તમે વેબસાઇટ પર જઇને ચેક કરી શકો છો. મોબાઇલ ફોન પર SMS દ્વારા પણ રેટ ચેક કરી શકો છો. તમે 9224992249 નંબર પર SMS મોકલીને પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વિશે તપાસ કરી શકો છો.
મહત્વપૂર્ણ છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રોજ બદલાવ સવારે 6 વાગ્યે થાય છે. સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થઇ જાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુ જોડ્યા બાદ તેનો ભાવ લગભગ ડબલ થઇ જાય છે. વિદેશી મુદ્રા દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત શું છે, તેના આધાર પર રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બદલાવ થાય છે.