અમદાવાદ: બે દિવસની સારવાર લઇને પાટીદાર નેતા હાર્દિક પટેલ રવિવારે ફરીવાર ઉપવાસ છાવણીમાં પહોંચ્યો હતો. હાર્દિક પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, અમદાવાદ ઝોન-1ના DCP રાઠોડ કહે છે કે તને મારી નાખીશ, હવે જીવતા રાખવાનુ અને મારી નાખવાનું કામ પણ યમરાજે રાઠોડ જેવા પોલીસ અધિકારીઓને આપી રાખ્યું છે શું? ઉપવાસ આંદોલનનું કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ પર પણ પોલીસે બળપ્રયોગ કર્યો અને તેમના કેમેરા તોડવાનો પ્રયાસ થયો. મીડિયા સાથે જે થયું તે ખોટુ થયું છે.
પહેલા પણ થયો હતો વિવાદ
નોંધનીય છે કે, હાર્દિકને ધમકી આપનાર ડીસીપી રાઠોડ આ પહેલા પણ વિવાદમાં આવી ચૂક્યા છે. અમદાવાદના ડીસીપી બન્યા પહેલા તેઓ મોરબીના એસપી હતા જ્યારે તેમની બદલી મોરબીથી અમદાવાદ કરવામાં આવી ત્યારે તેમના વિદાય સમારાભમાં એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓ ખુદ મંચ સુધી જઈને ચલણી નોટો ઉડાડતા જોવા મળ્યા હતા.
પાટીદાર આંદોલન સમિતિ દ્વારા અમદાવાદ ઝોન 1 DCP જયપાલ સિંહ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં જયપાલસિંહ વિરુદ્ધ ગેરવર્તણૂકનો આરોપ લગાવવામાં આવ્યો છે. હાર્દિકે ઉપવાસ આંદોલન શરૂ કર્યું ત્યારથી પાસના લોકો પોલીસ પર વિવિધ આરોપ લગાવી રહ્યાં છે.
હાર્દિક પટેલ ઉપવાસ આંદોલન હવે ઉગ્ર બની રહ્યું છે. તો બીજી બાજુ સરકારની ચિંતામાં પણ વધારો થઇ રહ્યો છે, આવા સમયે પોલીસ કોઇપણ રિસ્ક લેવા તૈયાર નથી. જેના કારણે હાર્દિક પટેલ ઉપવાસ પર ઉતર્યો તે દિવસથી ઉપવાસ છાવણી બહાર ચૂસ્ત પોલીસબંદોબસ્ત ગોઠવી દીધો હતો. પરંતુ ઉપવાસ છાવણી બહાર બંદોબસ્તમાં રહેલા પોલીસકર્મીઓ પણ ચર્ચામાં આવી રહ્યાં છે.
ઉપવાસ છાવણી બહાર બંદોબસ્ત સંભાળી રહેલા ઝોન 1 ડીસીપી જયપાલસિંહ રાઠોડ વિરુદ્ધ જ PAASએ ફરિયાદ દાખલ કરી છે. પાસનો આરોપ છે કે બંદોબસ્ત સંભાળી રહેલા ડીસીપી જયપાલસિંહ રાઠોડ પાસ સમિતિ સાથે ગેરવર્તણૂક કરી રહ્યાં છે.
પાસ દ્વારા ડીસીપી જયપાલસિંહ રાઠોડ વિરુદ્ધ અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને ગૃહવિભાગને પણ પત્ર લખવામાં આવ્યો હતો. સાથે જ માનવ અધિકાર મંચ સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં પોલીસની દાદાગીરી અને ગેરવર્તણૂકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સામાન્ય રીતે પોલીસ અધિકારીઓ આ પ્રકારનો વ્યવહાર કરતા નથી, પણ એસપી જયપાલસિંહે ચલણી નોટો ઉડાડતા તેમનો વિડીયો વાયરલ થયો હતો, જેની ચર્ચા પણ ખૂબ થઈ હતી.