સુરતમાં પ્રેમીની વાતોમાં આવીને પતિથી અલગ રહેનારી એક યુવતીની હાલત છૂટાછેડા લઈ લીધા બાદ ના ઘરના ના ઘાટના જેવી થઈ ગઈ છે. પતિ સાથે અણબનાવ સતત થતા યુવતી અલગ રહેવા લાગી હતી, પરંતુ તેના ડિવોર્સ થયા નહોતા. તેમ છતાં, પ્રેમીએ તેની આંખો પર પ્રેમની પટ્ટી બાંધી તેની સાથે તમામ પ્રકારની છૂટછાટ મેળવી લીધી હતી, પરંતુ લગ્ન કરવાની લાલચ આપી તેના ડિવોર્સ પણ કરાવી નાખ્યા હતા. છૂટાછેડા બાદ જ્યારે પ્રેમિકાએ લગ્નનું દબાણ કર્યું તો પ્રેમીએ “મને તારા કરતા વધારે સારી છોકરી મળી ગઈ છે” તેવું કહીને યુવતીને છોડી દીધી હતી.
આ સમગ્ર ઘટનાની વાત કંઈક આવી હતી કે, મૂળ મહારાષ્ટ્રની અને સુરતના પનાસ વિસ્તારમાં રહેનાર અને હેલ્થ સેન્ટરમાં નોકરી કરનાર સ્વાતિના લગ્ન 2012 માં થયા હતા. લગ્નજીવન દરમિયાન તેને એક પુત્રને પણ જન્મ આપેલ હતો. તેમ છતાં પતિ સાથે અણબનાવ બનવાના કારણે તેણે અલગ રહેવાનું શરુ કરી નાખ્યું હતું. આ દરમિયાન સ્વાતિનો પરિચય મહારાષ્ટ્રના ખામગાંવમાં રહેનાર ગૌરવ પાટીલ સાથે થયો હતો. થોડા સમય બાદ ગૌરવ પણ સુરતમાં જ આવીને રહેવા લાગ્યો હતો.
ગૌરવ સ્વાતિને અવારનવાર મળવા પણ આવતો રહેતો હતો. જ્યારે તેણે વેસુ વિસ્તારની એક હોટેલમાં તેને મળવા બોલાવીને તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. આ દરમિયાન ગૌરવે સ્વાતિને એવી વાતો કહેતો હતો કે, મને તું ખૂબ જ ગમે છે મારે તારી સાથે લગ્ન કરવા છે. તેમ છતાં તું તારા પતિને છૂટાછેડા નહીં આપે ત્યાં સુધી આપણા લગ્ન થઈ શકશે નહીં. ગૌરવે સ્વાતિને એવું પણ જણાવ્યું હતું કે, મારો પરિવાર પણ તને અપનાવવા માટે તૈયાર થઈ ગયો છે.
શરુઆતમાં તો સ્વાતિએ ગૌરવની વાત માનવાનો ઇનકાર કર્યો હતો. તેમ છતાં, ગૌરવની વાતોમાં આવીને તે પતિને ડિવોર્સ આપવા સહમત થઈ ગઈ હતી. થોડા સમય બાદ સ્વાતિએ સત્તાવાર રીતે પતિથી છૂટાછેડા લઇ લીધા હતા. તેને એમ પણ કહ્યું હતું કે, હવે ટૂંક જ સમયમાં ગૌરવ તેની સાથે લગ્ન કરશે. તેમ છતાં સ્વાતિ સાથે લાંબો સમય સુધી બધી છૂટછાટો લીધા બાદ હવે ગૌરવે તેનામાંથી જાણે રસ ઉડી ગયો હોય તેવું વર્તન કરવાની શરુ કરી દીધું હતું. તેની સાથે સ્વાતિ સાથે વાત કરવાનું પણ ઓછુ કરી નાખ્યું હતું.
અંતે સપ્ટેમ્બર 2020 માં સ્વાતિ જ્યારે ગૌરવના ઘરે પહોંચી તો તેને ગૌરવ દ્વારા સ્પસ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું કે મને તો તારા કરતાં વધારે સારી છોકરી મળી ગઈ છે, અને હવે મને તારામાં કોઈ રસ રહ્યો નથી. ગૌરવે એમ પણ કહ્યું કે, તે બીજી છોકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. તેમ છતાં સ્વાતિ કંઈક કરે તે પહેલા તો ગૌરવે લગ્ન કરી લીધા હતા. અંતે માત્ર શારીરિક જરુરિયાતો પૂરી કરવા ગૌરવે પોતાનો ઉપયોગ કર્યો હોવાનો અહેસાસ થતાં સ્વાતિએ તેની વિરુદ્ધ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.