વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જી-7 દેશોના શિખર સંમેલનના બે સત્રોને સંબોધન કર્યું હતું. તેમણે ક્લાઈમેટ ચેન્જ અનને ઓપન સોસાયટીઝ સેશનમાં પોતાની વાત મૂકી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે, જી-7ના એક સત્રને સંબોધન કરતા વડાપ્રધાને લોકતંત્ર, વૈચારિક સ્વતંત્રતા અને આઝાદી માટે ભારતની સભ્યતાગત પ્રતિબદ્ધતા પર પ્રકાશ મૂક્યો.
પીએમ મોદીએ આધાર, પ્રત્યક્ષ લાભ સ્થાનાંતરણ(ડીબીટી) અને જેએએમ (જન ધન-આધાર-મોબાઈલ) દ્વારા ભારતમાં સામાજિક સમાવેશ અને સશક્તિકરણ પર ડિજિટલ ટેકનીકોની ક્રાંતિકારી અસરને પણ રેખાંકિત કરી. વિદેશ મંત્રાલયના અધિક સચિવ (આર્થિક સંબંધો) પી હરીશે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં ખુલ્લા સમાજોમાં રહેલી નબળાઈઓનો ઉલ્લેખ કર્યો છે અને સલામત સાયબર વાતાવરણ બનાવવા માટે ટેક્નોલોજી કંપનીઓ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાકલ કરી છે.
વડાપ્રધાને આ સંમેલનમાં જણાવ્યું કે. સરમુખત્યારશાહી, આતંકવાદ, હિંસક ઉગ્રવાદ, ખોટી માહિતી અને આર્થિક જબરદસ્તી દ્વારા ઉભા કરવામાં આવેલા વિવિધ જોખમોથી વહેંચાયેલા મૂલ્યોના બચાવમાં ભારત G-7નો સહભાગી છે.
મુક્ત, ખુલ્લા અને નિયમ આધારીત હિંદ-પ્રશાંતને લઈને પ્રતિબદ્ધતા જાહેર કરી અને ક્ષેત્રમાં ભાગીદારો સાથે સહયોગ કરવાનો સંકલ્પ કર્યો. વિદેશ મંત્રાલયે કહ્યું કે,આપણી ભાગીદારી જી-7 ની આંતરીક સમજને દર્શાવે છે કે ભારતની ભૂમિકા વિના સૌથી મોટા વૈશ્વિક સંકટનું સમાધાન શક્ય નથી. ભારત સ્વાસ્થ્ય પ્રશાશન, વેક્સિન સુધીની પહોંચ અને જળવાયુને લઈને પગલા ભરવા સહિત પ્રમુખ મુદ્દાઓ પર જી-7, અતિથિ ભાગીદારો સાથે ઉંડાણપૂર્વક જોડાયેલા રહેશે.
એડિશનલ સેક્રેટરીએ કહ્યું કે, સંમેલનમાં હાજર અન્ય નેતાઓએ પ્રધાનમંત્રીના મંતવ્યોની પ્રશંસા કરી. હરીશે કહ્યું કે G-7 નેતાઓએ એક સ્વતંત્ર, મુક્ત, નિયમો આધારિત ભારત-પ્રશાંત ક્ષેત્ર પ્રતિ પોતાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી અને ક્ષેત્રમાં ભાગીદારોને સહકાર આપવાનો સંકલ્પ લીધો.