News

કોરોના વાઇરસને લઈને મળેલ મિટિંગ માં શું કહ્યું નરેન્દ્ર મોદીએ?

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરીને કોરોનાની પરિસ્થિતિ અને રસીકરણની રણનીતિની વિસ્તૃત સમીક્ષા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના નિયંત્રણ માટે અમલી બનાવાતા રાત્રી કર્ફયૂને ‘કોરોના કર્ફ્યૂ’ કહીને નાગરિકોને કોરોના આનુષાંગિક વર્તણૂક અપનાવવા પર વિશેષ સમજણ આપવા ભાર મૂક્યો હતો. વેકસીન લીધા પછી પણ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિગ અને વારંવાર હાથ ધોવા – આ બાબતોનું પાલન જરૂરી છે. ‘દવાઈ ભી ઔર કડાઈ ભી’ આ બાબતે કોઈ જ કોમ્પ્રોમાઈઝ નહિ કરવા તેમણે આગ્રહ રાખ્યો હતો.

45 વર્ષથી વધુ વયની તમામે તમામ વ્યક્તિઓનું રસીકરણ થાય તે માટે તમામ વર્ગોને પ્રયત્ન કરવા તેમણે અનુરોધ પણ કર્યો હતો જ્યારે આગામી બેથી ત્રણ સપ્તાહ સુધી વધુ કડકાઈ અપનાવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. તેની સાથે તેમણે તમામ રાજ્યોને ટેસ્ટિંગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કર્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાથે વિડીયો કોન્ફરન્સમાં ભાગ લેતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતે કોરોના પર ખૂબ જ ઝડપથી નિયંત્રણ મેળવવા ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની સ્ટ્રેટેજી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગુજરાતમાં પ્રતિદિવસ સરેરાશ એક લાખથી વધારે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેમાંથી 40000 જેટલા આર. ટી. પી. સી. આર. ટેસ્ટ રહેલા છે.

માર્ચની શરૂઆતમાં પ્રતિદિવસ લગભગ 8,000 જેટલા આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવતા રહ્યા હતા, જે આજે 40,000 પહોંચાડવામાં આવ્યા છે. જ્યારે આગામી દિવસોમાં પ્રતિદિવસ 60,000 જેટલા આરટીપીસીઆર ટેસ્ટ કરવાનું ગુજરાતનું ટાર્ગેટ છે.

જ્યારે રાજ્યમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સઘન સારવાર આપવામાં રહી છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં 10 હજાર જેટલા નવા બેડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જે પૈકીના 1500 બેડ ઓક્સિજન બેડ છે અને 1000 જેટલા આઈ.સી.યુ. બેડ વધારવામાં આવ્યા છે.

ગુજરાત સરકારે કૉરોનાના નિયંત્રણ માટે અનેક મહત્વના નિર્ણયો લીધા છે. તા. 1 એપ્રિલથી ગુજરાતમાં આવનારા તમામ યાત્રીઓનો આર ટી પી સી આર ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ હોય એ અનિવાર્ય કરવામાં આવ્યું છે. જે ક્ષેત્રોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યાં વહીવટીતંત્રને વિશેષ માર્ગદર્શન આપી શકાય તે માટે વરિષ્ઠ આઈએએસ કક્ષાના અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે.

રાજ્યમાં ધન્વંતરી આરોગ્ય રથની સેવાઓને વધારે વિસ્તૃત અને સુદ્રઢ કરવામાં આવી છે. ધનવંતરી રથોની સંખ્યા પણ વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના ઓક્સિજન ઉત્પાદકોને 60 ટકા ઓક્સિજન કૉવિડ હોસ્પિટલો માટે ઉપલબ્ધ રાખવા આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યમાં રેમડેસિવીર ઇન્જેક્શન તથા અન્ય જીવન રક્ષક દવાઓનો પણ પર્યાપ્ત જથ્થો સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

તેની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે. જ્યારે જરૂર પડી છે ત્યારે કેન્દ્રીય નિષ્ણાતોની ટીમે ગુજરાતમાં આવીને માર્ગદર્શન આપ્યું છે. એટલું જ નહીં ટેલિમેન્ટરીગના માધ્યમથી એક્સપર્ટ ડોક્ટરોએ ગુજરાતના ડોક્ટરોને ટ્રીટમેન્ટ પ્રોટોકોલ બાબતે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું છે, જે પરિણામલક્ષી સાબિત થયું છે.

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 4200 જેટલા વેન્ટિલેટર મોકલવામાં આવ્યા છે. જે આજે ગુજરાતના કોવિડના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે એમ કહીને તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર તરફથી ગુજરાતને વેક્સિનનો પર્યાપ્ત જથ્થો મળી રહ્યો છે. આજ સુધીમાં કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને કોરોનાની વેક્સિનના 80 લાખ જેટલા ડોઝ મળ્યા છે.

છેલ્લા પંદર દિવસથી દેશભરમાં કોરોના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જેમાં ગુજરાતમાં પણ વધારો થયો છે. 15 માર્ચ સુધી 1 હજાર કેસ આવતા હતા એ આજે 3500 સુધી પહોંચી ગયા છે. જેમાં મુખ્યત્વે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાંથી આવે છે. પરંતુ હવે રાજ્યના અન્ય શહેરો-જિલ્લામાં પણ તમામ વય જૂથના લોકો સંક્રમિત થઇ રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે ટેસ્ટીંગ, ટ્રેકીંગ અને ટ્રીટમેન્ટની નવી સ્ટ્રેટેજી અપનાવી છે. જેના પરિણામે કોરોના કેસ શોધવામાં સફળતા મળી રહી છે.

આ સિવાય રાજ્યમાં અમે જાહેર સ્થળોએ ભીડ એકત્ર થવા ઉપર પ્રતિબંધ મુકેલો છે. તા.30 એપ્રિલ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. સોશ્યલ ડિસ્ટનસિંગનુ પાલન ન કરનાર અને માસ્ક ન પહેરનાર ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે એટલુ જ નહિ, અમે રાજ્યના 20 શહેરોમાં આગામી તા.30 એપ્રિલ સુધી રાત્રે આઠ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સામાજિક અને રાજકીય ઉજવણીઓ પણ આગામી 30 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે.

આ સિવાય ગૃહમંત્રી અમિત શાહે આ વીડિયો કોન્ફરન્સમાં કહ્યું હતું કે, દુનિયાના મોટાભાગના દેશોની માફક ભારતમાં પણ એક વખત કોરોના કાબુમાં આવી ગયા પછી બીજી વખત કેસો વધ્યા છે. પરંતુ હવે ભારત પાસે પુરતા સંશાધનો અને રાષ્ટ્રીય ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલ રહેલા છે. તેમણે પ્રભાવી નિયંત્રણની આવશ્યકતા પર ભાર મૂકીને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કડકાઇ અને રસીકરણ ઝુંબેશને વધુ વેગવાન બનાવવા પર ભાર મુકવામાં આવ્યો છે.

જ્યારે કેન્દ્રીય આરોગ્ય સચિવ દ્વારા આ વિડીયો કોન્ફરન્સ દરમિયાન ભારતના રાજ્યોની કોરોનાની કામગીરીના સંદર્ભમાં એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત આરોગ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઈન કોરોના વૉરિયર્સના વેક્સિનેશનમાં સમગ્ર દેશમાં અગ્રીમ હરોળમાં છે. તેમણે માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સિગ પર વિશેષ ધ્યાન આપીને કોરોનાના સંક્રમણને અટકાવી શકાશે એમ જણાવ્યું હતું.

આ પ્રેસ કોન્ફરન્સમાં આરોગ્ય મંત્રીશ્રી ડૉ. હર્ષવર્ધન તથા ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ, પંજાબ, આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રીઓએ ભાગ લીધો હતો.

તેના સિવાય ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી સહિત નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કે. કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી ડૉ.જયંતી રવિ અને અન્ય વરિષ્ઠ અધિકારીશ્રીઓ પણ જોડાયા હતા.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker