રુપાણી સરકારની ‘ધીમી ગતિ’ સામે PMO એ વ્યક્ત કરી નારાજગી

કામ પૂરા કરવામાં ગુજરાત સરકાર ધીમી!

ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલા કામો મંથર ગતિએ ચાલતા હોવાનું બહાર આવતા પીએમ ઓફિસે નારાજગી વ્યક્ત કરી છે. કેન્દ્રની મંજૂરી મળી ચૂકી છે તેવા પ્રોજેક્ટમાં કેટલું કામ થયું તેનો નિયમિત રિવ્યૂ કરાય છે. જોકે, આ વખતે પીએમ ઓફિસે ગુજરાતમાં થયેલી પ્રગતિ સામે નારાજગી વ્યક્ત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સૂત્રોનું માનીએ તો, ગુજરાતમાં કેન્દ્ર દ્વારા મંજૂર કરાયેલા દોઢ લાખ કરોડ રુપિયાના પ્રોજેક્ટો પર કામ ચાલી રહ્યું છે. જેમાં બુલેટ ટ્રેન, દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, અમદાવાદ મેટ્રો રેલ, વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપરાંત અન્ય નેશનલ હાઈવેના કામોનો પણ સમાવેશ થાય છે.

પીએમઓ દ્વારા ગુજરાત તેમજ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ચાલી રહેલા 2 લાખ કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો રિવ્યૂ કરવામાં આવ્યો હતો. જોકે, આ તમામ પ્રોજેક્ટનું કામ મંથર ગતિએ ચાલી રહ્યું હોવાનું બહાર આવતા પીએમ ઓફિસે નારાજગી વ્યક્ત કરી હતી. પીએમઓએ આ તમામ પ્રોજેક્ટ્સ પર ઝડપથી કામ કરવા અને ખાસ તો જમીન સંપાદન સાથે સંકળાયેલા મુદ્દાને ઝડપથી ઉકેલવા જણાવ્યું હતું.

નીતિન પટેલે કહ્યું, ‘મને માહિતી નથી’

પીએમઓ દ્વારા દર બુધવારે રાજ્યમાં ચાલી રહેલા કામોનો વીડિયો કોન્ફરન્સ દ્વારા રિવ્યૂ કરવામાં આવે છે. જેમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ ચીફ સેક્રેટરી જે.એન. સિંઘ કરે છે. આ અંગે ડે. સીએમ નીતિન પટેલને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, પોતે આ બાબતથી અજાણ છે. આ મીટિંગ જે તે ડિપાર્ટમેન્ટના સચિવ અટેન્ડ કરતા હોય છે.

અમદાવાદ મેટ્રો પર કરી ટિપ્પણી

પીએમ ઓફિસે જણાવ્યું હતું કે, 56 ટકા ખાનગી જમીનનું સંપાદન થઈ ગયું છે, જોકે સરકારે બાકીની જમીનનું સંપાદન કરવાનું બાકી છે. 1047 પરિવારમાંથી 563નું જ સ્થળાંતર થયું છે. કાંકરિયા પૂર્વ, શાહપુર અને કાલુપુર એરિયામાંથી હજુય દબાણ હટ્યું નથી. આ પ્રોજેક્ટ 10,773 કરોડનો છે.

Scroll to Top