અમદાવાદ: ઉપવાસના પાંચમા દિવસે હાર્દિક પટેલે પોતાને મળવા આવતા સમર્થકોને અટકાવી રહેલી પોલીસ અને સરકારની ઝાટકણી કાઢી છે. હાર્દિકે દાવો કર્યો છે કે, તેને 60 હજારથી પણ વધુ સમર્થકો મળવા માટે અમદાવાદ સુધી આવ્યા, પરંતુ પોલીસે તેમાંથી માત્ર 1124 લોકોને જ તેના ઘર સુધી આવવા દીધા.
હાર્દિકે ટ્વીટ કરતા જણાવ્યું છે કે, બંધારણમાં કોઈ નવી કલમ ઉમેરાઈ છે કે શું? મારા ઘરમાં કોણ આવશે અને કોણ નહીં આવે તેનો ફેસલો પણ હવે પોલીસ અને ભાજપ કરશે? છેલ્લા પાંચ દિવસથી તો કંઈક આવું જ લાગી રહ્યું છે. મહત્વનું છે કે, હાર્દિકને મળવા ગઈકાલે મધ્યપ્રદેશથી કેટલાક લોકો આવ્યા હતા, પરંતુ પોલીસે તેમાંથી માત્ર 20 લોકોને જ હાર્દિકના ઘર સુધી જવા દીધા હતા.
આજે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ પણ હાર્દિકને મળવા આવ્યા હતા. હાર્દિકના ઘરની બહાર તૈનાત પોલીસે સંજીવ ભટ્ટની પણ વિગતો નોંધી હતી. ગઈકાલે આવેલા એનસીપીના નેતા પ્રફુલ પટેલને પણ પોલીસ સાથે માથાકૂટ થઈ ગઈ હતી. હાર્દિકના ઘરની બહાર હાલ પોલીસનો વિશાળ કાફલો ખડકી દેવાયો છે, અને ત્યાં વધુ લોકો ભેગા ન થાય તેની પોલીસ ખાસ તકેદારી રાખી રહી છે.
ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને મળવા માટે અભિમન્યુની જેમ સાત કોઠા પસાર કરવા પડે છે. પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફી મામલે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલને આમરણાંત ઉપવાસ માટે પોલીસે અન્ય કોઇ સ્થળની મંજૂરી ન આપતા હાર્દિક પોતાના ગ્રીનવુડ ખાતેના છત્રપતિ નિવાસમાં ઉપવાસ કરી રહ્યો છે, પરંતુ પોલીસ દ્વારા હાર્દિકને મળવા માટે સામાન્ય પ્રજાને જવા દેવામાં આવતી નથી.
300 મીટરે અંતરે પોલીસ
હાર્દિકના છત્રપતિ નિવાસથી દોઢ કીમી દુર આવેલા ગ્રીનવુડના મેઇન ગેટથી પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે ચેકિંગ દર 300 મીટરના અંતરે કરવામાં આવે છે. આમ હાર્દિકને મળવા માટે સામાન્ય જનતાને પ્રવેશ નથી પરંતુ કોઇ નેતાને હાર્દિકની ઉપવાસી છાવણી સુધી પહોંચવું હોય તો પોલીસના સાત કોઠા ફરજીયાતપણે પસાર કરવા પડે છે.
એન્ટ્રી ગેટથી પોલીસ હાર્દિકને મળવા જનારને પાછા મોકલી દે છે
અમદાવાદની ફરતે આવેલા એસ પી રિંગ રોડ પરના ગ્રીનવુડ રિસોર્ટમાં આવેલા છત્રપતિ નિવાસમાં હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ ચાલી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસથી હાર્દિકના સમર્થનમાં લોકો આવે છે પરંતુ પોલીસ તેમને ગ્રીનવુડ રિસોર્ટના એન્ટ્રી ગેટથી જ રવાના કરી દે છે. સામાન્ય રીતે હાર્દિકના ઉપવાસના સ્થળ સુધી પહોંચવા માટે અભિમન્યુના ચક્રવ્યુહની જેમ ચારે તરફ પોલીસ ગોઠવી દેવામાં આવી છે જ્યાં કોઇને પહોંચતા પહેલા પોલીસ ચેંકિંગમાંથી પસાર થવુ પડે છે.
એસ પી રિંગ રોડ પર આવેલા ટોલ ટેક્સ પ્લાઝાથી બન્ને તરફ પોલીસ કાફલો ગોઠવી દેવાયો છે. જ્યાંથી આગળ નીકળ્યા બાદ 100થી વધુ પોલીસ કર્મીઓ અને પોલીસના વાહનો મોટી સંખ્યામાં દેખાય છે. જે ગ્રીનવુડ રિસોર્ટનો એન્ટ્રી ગેટ છે.
ગ્રીનવુડ રિસોર્ટના ગેટથી અંદર જતી તમામ ગાડીઓને ચેક કરવામાં આવે છે. જો યોગ્ય કારણ ન મળે તો ત્યાંથી કાર અંદર જવા દેવામાં આવતી નથી. ત્યાર બાદ અંદર પહોંચી જાવ તો દર 300 મીટરના અંતરે પોલીસના બેરીકેટ છે. જ્યાં બે પીએસઆઇ, મહિલા પોલીસકર્મીઓ અને બેરિકેટ પણ છે. છત્રપતિ નિવાસ પાસે પોલીસે ખાસ સીસીટીવી વાન મુકી છે, જે અંદર આવતા જતાં તમામ લોકોનું વીડિયો શુટીંગ કરે છે. આ બધાની વચ્ચે હાર્દિકના ઘર પાસે પહોંચ્યા બાદ તેના પોતાના લોકો દ્વારા પણ ચેંકિંગ કરવામાં આવે છે