સ્વામીએ કહ્યું : ‘ગાડીને બદલવા કરતાં તમારા શરીરને બદલો.
ત્યાગ કરી દેવો સહેલો છે, પરંતુ મનમાં ભોગ-પદાર્થોની આસક્તિ માત્ર ન હોવી તે નિ:સ્પૃહીપણું છે. ભગવાન સ્વામિનારાયણ પિંડ-બ્રહ્માંડથી નિઃસ્પૃહિતાને જ વિરક્તિ કહે છે. સામાન્ય રીતે સાધુ કે સંન્યાસી માત્ર માટે આ સદ્ગુણ એક પાયાની શરત જેવો છે. પરંતુ સાધનાના શિખરે પહોંચ્યા પછી પણ આ સદ્ગુણને પૂર્ણપણે સિદ્ધ કરવો તે સિંહણ દોહવા જેવું છે.
પ્રમુખસ્વામી મહારાજ માટે આ વિરલ ગુણ-યુગલ સહજ સિદ્ધ છે. 75 વર્ષના એમના ત્યાગી જીવનમાં અને 18 વર્ષના એમના પૂર્વાશ્રમ જીવન દરમ્યાન, આ સદ્ગુણનો શીતળ પ્રભાવ એમના વ્યક્તિત્ત્વને હંમેશાં અન્યથી અલગ તારવતો રહ્યો છે. ભાત-ભાતના ભોગ એમને સ્પર્શી શકતા નથી. જાતજાતના પદ-પ્રતિષ્ઠાના લાભો એમને લોભાવી શકતા નથી. અનેકવિધ આધુનિકતમ પદાર્થોની એમને સ્પૃહા થતી નથી. આ બધું પણ વિના આયાસે, વિના પ્રયાસે !
સ્વામીની આ વિરક્તિની કોઈ ખખા નહીં કે કોઈ દેખાડો નહીં. બધું જ સાવ સહજ અને સ્વાભાવિક !
શમ, દમ, તપના પ્રકરણમાં મન-ઇન્દ્રિયો પરના સંયમમાં એમની નિસ્પૃહિતા એક પાસું ઝળકે છે, તો બીજું પાસું અહીં છે – એમની નિઃસ્પૃહિતામાં, અનાસક્તિમાં. સમાજની વચ્ચે રહીને, વિશ્વભરમાં સત્સંગપ્રવાસ કરતા રહીને, આંતરરાષ્ટ્રીય માંધાતાઓનાં માન-સન્માનો પામ્યા પછી પણ, દુન્યવી આકાંક્ષાઓ એમને સ્પર્શી શકી નથી. અંગત જરૂરિયાતોના નામે એમની ક્યારેય કોઈ માંગણી નહીં, લોકો એમની આગળ નિત્ય નવા નવા પદાર્થોનો ઢગ કરી જાય, પણ એમને કોઈ સ્પૃહા નહીં. મીણની માટલીમાં પાણી ક્યાંથી શોષાય ?!
તેઓ કેટલું બધું ઠેલી શક્યા છે, કશીય સ્પૃહા વિના!
સને 2004 માં સ્વામીશ્રી અમેરિકામાં એડિસન ખાતે સત્સંગ-સભામાં જઈ રહ્યા હતા. છેલ્લા કેટલાય વખતથી વિશ્વની આધુનિકતમ સુવિધાદાયક કારમાંની એક કાર સ્વામી માટે સેવામાં આપવાની ઇચ્છા રાખતા યુવાન જયમીનભાઈ પટેલ અને હિતેશભાઈ સ્વામીને પોતાની એ ઇચ્છા જણાવી ત્યારે સ્વામીશ્રીએ તેમને કહ્યું હતું : ‘આજ પછી ક્યારેય આવી ઇચ્છા કરવી જ નહીં.’
સ્વામીની અનાસક્તિ આગળ બંને યુવાનો નત-મસ્તક થઈ ગયા.
વસ્તુ ન હોય કે તે મેળવવાની સામર્થી ન હોય ત્યારે અનાસક્તિ રાખવી કદાચ સહેલી છે, પરંતુ વસ્તુ ઉપલબ્ધ હોય અને તેની આસક્તિનો સ્પર્શ થવા ન દેવો તે વિરક્તિનું એક ચરમ શિખર છે.
તા. 16-10-’94 ના રોજ વલ્લભવિદ્યાનગરમાં હેલિકૉપ્ટરની વાત નીકળી ત્યારે તેમને વચ્ચેથી જ અટકાવતાં સ્વામીએ કહ્યું હતું : ‘આ લોકના મનસૂબા મૂકવા ને પરલોકના કરવા.’ એક વ્યક્તિએ વાતને વળાંક આપતાં કહ્યું : ‘આપ કહો છો એ બરાબર, પણ તમે જે ગાડીમાં બેસો છો તે મને પોતાને જ નાની પડે છે. માટે હવે ગાડી તો બદલો.’
સ્વામીએ કહ્યું: ‘ગાડીને બદલવા કરતાં તમારા શરીરને બદલો. તમે તમારા શરીરને એવું કેળવ્યું નથી. દુઃખ આવે કે સુખ, વાંધો જ ન આવે. નાનું વાહન હોય તોય ભલે ને મોટું કે લાંબું હોય તોય ભલે. ધૂળમાં સૂવાનું મળે કે મશરૂના ગાદલામાં, બધે ઊંઘ આવવી જોઈએ…’
આ શબ્દો એમના જીવનના દર્પણ સમા છે. ગાડાથી માંડીને ધૂળિયા રસ્તા પર ધૂળ ઉડાડતાં ટ્રૅક્ટરોમાં પણ તેમણે ગામડે ગામડે મુસાફરીઓ કરી છે, અને મર્સિડિસ કારમાં પણ કોઈ સ્પૃહા વિના બેઠા છે. એક વાર સ્વામીએ કહ્યું હતું?: ‘લાખોની વચ્ચે હોઈએ તોય જંગલમાં છીએ ને જંગલમાં હોઈએ તોય લાખોની વચ્ચે જ છીએ એમ માનીએ તો જ સુખ રહે. આ છે પૈસા વગરનું જ્ઞાન, પણ સર્વોપરિ છે.’
ભોગ, વિલાસ, રંગરાગ એ તો સ્વામીશ્રીની નજીક પણ ફરકી શકે નહીં, પરંતુ તેમાં રાચનારા અસંખ્ય લોકો પણ સ્વામીશ્રીના સત્સંગને કારણે રંગરાગને છોડીને આધ્યાત્મિક જીવનશૈલી માણવા લાગે છે. તેઓ વિદેશયાત્રાએ પધાર્યા હોય ત્યારે જે તે દેશોનાં શહેરો કે તેની જાહોજલાલી નીરખવાનીય એમને કોઈ સ્પૃહા નહીં. તેઓ સત્સંગ માટે જાય ને લોકોના જીવનમાં આધ્યાત્મિક-નૈતિક મૂલ્યો સિંચવા એ જ એમનું લક્ષ્ય. કેટલીક વખત સ્થાનિક હરિભક્તો એમને અતિ આગ્રહ કરે ત્યારે તેમનું મન સાચવવા એવાં પ્રસિદ્ધ સ્થાનોએ જાય તો ત્યાં પણ ભજન-ભક્તિ અને જ્ઞાનગોષ્ઠિમાં રત થઈ જાય. ત્યાંની ઝાકમઝોળ એમને ક્યારેય આકર્ષી શકે નહીં.
લૌકિક પદ-પ્રતિષ્ઠાઓમાં પણ એમને કોઈ સ્પૃહા નહીં, ઊલટું અરુચિ.
જગતના શાંતિદૂત તરીકે સ્વામીશ્રીના દિવ્ય જીવન તેમજ તેઓએ કરેલાં અનેક માનવતાનાં વૈશ્વિક કાર્યોથી પ્રિન્સ ચાર્લ્સથી માંડીને બિલ ક્લિન્ટન જેવા વિશ્વના અનેક ધુરંધર મહાનુભાવો પ્રભાવિત છે. એમાંના એક ઇંગ્લૅન્ડના રાજદૂત ડૉ. એલ. એમ. સિંઘવી તેમજ અન્ય કેટલાકને સ્વામી પ્રત્યેના અહોભાવથી ઇચ્છા હતી કે તેઓને નોબલ પ્રાઇઝ મળવું જોઈએ. કેટલાક અગ્રણી હરિભક્તોને પણ તેવી ઇચ્છા હતી. 1997માં લંડનમાં સ્વામીના નિવાસ દરમ્યાન વાતચીતમાં એક વ્યક્તિએ તેનો ઉલ્લેખ કરીને કહ્યું : ‘અમારા બધાની ઇચ્છા છે કે આપને નોબલ પ્રાઇઝ મળે. તેથી એનાં કેટલાંક પુસ્તકો મેં મંગાવ્યાં છે.’
તેઓ આગળ વાત કરવા જાય એ પહેલાં જ સ્વામીએ તેમને અટકાવતાં કહ્યું : ‘જુઓ, મારે તો સ્વામિનારાયણ ભગવાન અને ગુણાતીતાનંદ સ્વામી મળ્યા એ જ મોટામાં મોટું નોબલ છે. બીજા કોઈ પ્રાઇઝની મારે જરૂર નથી. એ પ્રાઇઝ મળ્યું તોય શું ને ના મળ્યું તોય શું ? એનાથી વિશેષતા શું છે?? આપણે તો ભગવાન અને સંત મળ્યા ને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજનો રાજીપો મળ્યો છે એથી વિશેષ કંઈ આ નોબલમાં છે ?’
સ્વામીની વિરક્તિની ખુમારી આગળ કોઈ બોલી શક્યું નહીં. આમ છતાં એક વાર તો નોબલ પારિતોષિકના નોમિનેશન સુધી આવી ગયેલી વાતને સ્વામીશ્રીએ આગ્રહપૂર્વક ઠુકરાવી દીધી.
વિશ્વની અનેક પદ-પ્રતિષ્ઠાઓ પ્રત્યે વિરાગ ને બીજી તરફ ભજનનો અનુરાગ એમની નસેનસમાં વહે છે.
સ્વામીશ્રી આવનારી અનેક પેઢીઓને ઉપાસનાની આધ્યાત્મિક પ્રેરણાઓ મળતી રહે ને અનેકવિધ સામાજિક સેવાઓની ભાગીરથી વહેતી રહે તે માટે વિશાળ અને વિશ્વની અજાયબી સમાં મંદિરો રચે છે. જનમાનસમાં સંસ્કૃતિના ગૌરવનું સિંચન કરવા માટે અક્ષરધામ જેવાં બેનમૂન પરિસરોનું સર્જન કરે છે, પરંતુ એ ભવ્ય અને ગૌરવશાળી પરિસરોનીય એમને આસક્તિ કે તેનું બંધન નહીં. સર્જન કરીને, સુંદર વ્યવસ્થાનું તંત્ર ગોઠવીને તેઓ ત્યાંથી વિદાય થઈ જાય. વર્ષે એકાદ વખત આવે તો આવે. અન્યથા તેઓ તો જનમાનસમાં આધ્યાત્મિક મૂલ્યો સિંચવા માટે ઠેરઠેર ઘૂમતા રહે.
એક વખત સ્વામીશ્રીએ સહજતાથી કહ્યું: ‘આપણનેય કશાયમાં રસ નથી, એક ભગવાન સિવાય.’
આ છે પિંડ-બ્રહ્માંડથી નિઃસ્પૃહ સ્વામીની વિરક્તિ, જ્યાં ભગવાન સિવાય બીજા કશો રાગ નથી, બીજા કશાને સ્થાન નથી?!