ArticleGujaratNews

આ છે પ્રમુખ સ્વામી મહારાજનો પરિવારઃ સાચવીને બેઠો છે બાપાની યાદગીરી

વડોદરાઃ વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજની આજે પુણ્યતિથી છે. પ્રમુખ સ્વામી મહારાજ 13 ઓગષ્ટ, 2016ના રોજ બ્રહ્મલીન થયા હતા. પ્રમુખ સ્વામી મહારાજના ભાભી અને ભત્રીજા સહિતનો પરિવાર વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં રહે છે. બાળ શાંતિલાલ(પ્રમુખ સ્વામી) જે પારણામાં ઝૂલ્યા હતા તે પારણુ આજે પણ પરિવાર પાસે સચવાયેલું છે.

અટલાદરા વિસ્તારમાં રહે છે પ્રમુખ સ્વામીનો પરિવાર

વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલા અક્ષર ગ્રીન ફ્લેટમાં 104માં અશોકભાઇ ડાહ્યાભાઇ પટેલ પત્ની નીનાબહેન, માતા જશોદાબહેન, પુત્ર પરેશ અને પુત્રી વિધી સાથે રહે છે. અશોકભાઇ પટેલે  જણાવ્યું હતું કે, મારા પિતા ડાહ્યાભાઇ, શાંતિભાઇ (પૂ. બાપા) અને નંદુભાઇ એમ ત્રણ ભાઇઓ અને કમળાબહેન, ગંગાબહેન અને સવિતાબહેન એમ ત્રણ બહેનો પરિવારમાં હતા. ત્રણ બહેનોમાં એક માત્ર ગંગાબહેન (મારા ફોઇ) હયાત છે.

મારા પિતા ડાહ્યાભાઇ સૌથી મોટા ભાઇ હતા. અને બાપા(પ્રમુખ સ્વામી) સૌથી નાના ભાઇ હતા. બાપા એટલે કે મારા કાકા શાંતિભાઇ, જે 11 વર્ષની ઉંમરે જ ઘરેથી ચાલ્યા ગયા હતા. અને સ્વામીનારાયણ સંપ્રદાયની દીક્ષા લઇ લીધી હતી. જ્યારે બીજા કાકા નંદુભાઇ પણ સાધુ બનવા માટે ચાલ્યા ગયા હતા. પરંતુ તેઓ પરત ફર્યા હતા. મારા પિતા સહિત ત્રણ ભાઇઓમાં એક માત્ર હું જ વારસદાર છું. તેમ અશોકભાઇ પટેલે ઉમેર્યું હતું.

અશોકભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, બાપા જે પારણામાં ઝૂલ્યા હતા તે પારણું

આજે પણ મારી પાસે છે. પારણું જોઇએ ત્યારે બાપા સહિત મારા પરિવારજનો યાદ આવી જાય છે.

બાપાને હંમેશા ભગવાન સ્વરૂપે જ જોયા છે

અશોકભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, બાપા દેવલોક પામ્યા તેના 8 માસ પહેલાં હું બાપાને મળ્યો હતો. હું અને મારા પરિવારજનો જ્યારે બાપાને મળતા હતા ત્યારે બાપા અન્ય હરિભક્તોની નજરે જ અમને જોતા હતા. અને આશીર્વાદ આપતા હતા. જો કોઇ હરિભક્ત ભૂલથી બોલે કે, બાપાનો ભત્રીજો આવ્યો છે તો તુરંત જ બાપા સ્થળ છોડીને ચાલ્યા જતા હતા.

અમે પણ બાપાને ક્યારેય કાકાની દ્રષ્ટીએથી જોયા નહોતા. અમે બાપાને ભગવાન સ્વરૂપે જ જોયા છે. આજે જે કંઇ છું તે બાપાના આશીર્વાદથી જ છું, તેમ અશોકભાઇએ જણાવ્યું હતું.

મેં ક્યારેય તેઓ મારા દીયર છે તેવો મનમાં વિચાર આવવા દીધો નહોતો

અશોકભાઇ પટેલના માતા જશોદાબહેન પટેલે  જણાવ્યું હતું કે, હું 16 વર્ષની ઉંમરે લગ્ન કરીને ચાણસદ આવી હતી. તેના પાંચ વર્ષ પહેલાં જ બાપા ઘર છોડીને આધ્યાત્મિક માર્ગે ચાલી નીકળ્યા હતા. બાપાને હું પણ ભગવાન સ્વરૂપે જ જોઉ છું. મેં ક્યારેય તેઓ મારા દીયર છે તેવો મનમાં વિચાર આવવા દીધો નહોતો અને લાવવા પણ માંગતી નથી.

અશોકભાઇના પત્ની નીનાબહેન અને બે સંતાનો પરેશ અને વિધિએ પણ બાપાને યાદ કરતા જણાવ્યું કે, તેઓ જ અમારા ભગવાન છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker