સપ્તાહથી ગુમ ગાંધીનગર IBનો PSI પરત ફર્યો, દીકરીના ફોને આપઘાત કરતો રોક્યો

ગાંધીનગર : ઇન્ટેલિજન્ટ બ્યુરોમાં ફરજ બજાવતા અને રાંદેસણની શુકન હાઇટ્સ સોસાયટીમાં રહેતા પીએસઆઈ અનિલ જોધભાઈ પરમાર ગઈ 25મી સપ્ટેમ્બરે પત્ર લખીને ગુમ થયા હતા. ત્યારબાદ એક અઠવાડિયા બાદ પોતે જ પરત ફર્યા છે. પરિવારે આજે 3જી ઓક્ટોબરે સવારે પોલીસને જાણ કરી હતી કે ગુમ થયેલા અનિલ પરમાર પોતાના ઘરે પરત ફર્યા છે.

અનિલ પરત ફર્યાની જાણકારી મળતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તેમના ઘરે પહોંચ્યા હતા. અનિલ પરમારે ગાંધીનગર પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે ખાતાકીય તપાસને કારણે પોતે માનસિક રીતે ત્રસ્ત હતા. જેથી ગાંધીનગર છોડીને હરિદ્વાર જતાં રહ્યા હતા અને ત્યાં રોકાયા હતા. ત્યાં આપઘાત કરવાનો વિચાર કર્યો હતો પરંતુ દીકરી સાથે વાત થતાં આપઘાતનો વિચાર માંડી વાળ્યો હતો.

બે દિવસ પહેલા આપઘાતનો નિર્ણય લીધો

અનિલે પોલીસને વધુમાં જણાવ્યું હતું કે, દિવસ પહેલા તેમણે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો. પંરતુ આપઘાત પહેલા પોતાના પરિવાર સાથે વાત કરવા માટે ચાની કિટલીવાળા પાસેથી મોબાઇલ ફોન લીધો હતો અને પત્ની સાથે વાત કરી હતી.

દીકરી સાથે વાત કરીને નિર્ણય બદલ્યો

અનિલ વધુમાં જણાવ્યું હતું કે, દીકરી સાથે વાત થતાં તે ભાંગી પડ્યા હતા અને આત્મહત્યાનું માંડી વાળ્યું હતું. હરિદ્વારથી સીધા ગાંધીનગર ઘરે પહોંચ્યા હતા. આ મામલે હવે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ તપાસ ચલાવી રહી છે.

આઈબીના અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા હતા

ગાંધીનગર પોલીસ અનિલ પરમારની પુછપરછ કરીને વધારે વિગતો મેળવશે. ઉલ્લેખનીય છે કે પત્ર લખીને તેમણે આઈબીના અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. ગુમ થયેલા અનિલને શોધવા માટે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી.

પીએસઆઈના મોટા ભાઈએ જાણવાજોગ નોંધ કરાવી હતી

અનિલ ગુમ થયા બાદ તેમની શોધખોળ છતા પત્તો ન લાગતા તથા ફોન પણ બંધ આવતા અનિલના મોટા ભાઈ રાજેશભાઈ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં અનિલના ગુમ થયાની જાણવાજોગ નોંધાવી હતી.

અનિલનો પત્ર અક્ષરશઃ

‘આશા હું દુખી હૃદયે તને આ લેટર લખું છું. તું જાણે જ છે, આ લોકો મારી પાછળ પડી ગયા છે. જ્યારથી હું અહીં બદલીથી ગાંધીનગર આવ્યો ત્યારથી આ લોકો મને માનસિક હેરાન કરે છે. મારો વાંક શું ? મેં એવો શું ગુનો કર્યો છે તેથી આવી સજા મને મળે છે. જ્યારથી મને ડિસમિસ કરવાની નોટિસ આપી છે ત્યારથી મારી મનોસ્થિતિ ઠીક નથી. મને મનમાં ઘણા ડરો સતાવે છે. હું શું કરીશ મારી નોકરી નહીં રહે છો. હું સાવ અંદરથી ભાંગી ગયો છું. મારું કોઈ સાંભળનાર નથી. હું કોની પાસે ન્યાય મેળવવા જાઉં. બધાની નજરોમાં હું એક આતંકવાદી હોઉં એવું વર્તન મારી સાથે કરે છે. આ બધાની પાછળ મારા અધિકારીઓ છે. પહેલાં હરિકૃષ્ણ પટેલ સાહેબ મારી પાછળ પડી ગયા હતા.

ડીવાયએસપી જુલી કોઠિયાના કહેવાથી મને ચોર સમજી મારી પાછળ પડી ગયા હતા. હરિકૃષ્ણ પટેલ સાહેબે મારા ઉપર ખોટા આરોપો મૂકી ખોટી ખોટી અરજીઓ કરાવી મને ફીટ કરવા માટે ખોટી રીતે તેની સત્તાનો દુરુપયોગ કરી મને હેરાન કર્યો અને એસીઆરમાં પણ ખોટી રીતે મને ખરાબ ચિતરવાની કોશિશ કરે છે. ત્યારબાદ સવાણી સાહેબે તો મને હેરાન કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. 26મી જાન્યુઆરીના દિવસે તું બીમાર હતી અને હું ઓફિસ આવી શકેલ નહીં તો તેમાં મને રૂ. 40 હજારનો દંડ કર્યો. મારો સવાલ એ છે કે હું શું એક જ નહોતો હાજર રહી શકેલ? શું હું દલિત હોવાથી મારે જ મારી રાષ્ટ્રીયતા સાબિત કરવાની? અવારનવાર મને અપમાનિત કરવો, મારી સામેની ખાતાકીય તપાસમાં બિલકુલ એકતરફી નિર્ણય લઈ મને ડિસમિસ કરવાની નોટિસ આપે છે. મારી ભૂલ શું કે હું એક દલિત છું એ જ મારો વાંક છે.

હું ખાતામાં આવ્યો ત્યારથી જોઉં છું જેના ગોડ ફાધર હોય છે તે લોકો ગમે તે કરે તેને કાંઈ જ નહી અને મારા જેવા કે જેનો કોઇ હાથ પકડનાર ન હોય તેને સામાન્ય વાતમાં પણ મોટી સજા. કીડીને કોશનો ડામ આ ક્યાંનો ન્યાય. ઉપરી અધિકારીઓ તેમને આપેલી સતાનો દુર ઉપયોગ કરે છે અને કોઇની જિંદગી બરબાદ કરી નાંખે છે. જેમ કે મારી જિંદગી સવાણી સાહેબ તથા હરિકૃષ્ણ પટેલ સાહેબે કરી નાંખી. મને વાત વાતમાં નિયમો બતાવી ધમકાવવામાં આવતો અમારા એસીઆઇ નિતાબેન દેસાઇ સાહેબે પણ મને માનસિક ટોર્ચર કરવાની એક પણ તક જતી નથી કરી. કેમકે ડીવાયએસપી જુલી કોઠીયા તેમની બેચમેટ અને મિત્ર છે. ઓફિસમાં બધા જીન્સ પહેરી આવે તે ચાલે પણ હું પહેરૂ તો મને નિયમો બતાવી ધમકાવવામાં આવતો. જાણે કે મારા એકલા માટે જ નિયમો બન્યા હોય અને કહે કે તમે ઓફિસ ટાઇમથી ત્રણ મિનિટ વહેલા નીકળી ગયા. આશા હું શું કરું, આવું બધું સહન કરી કરી હવે હું થાકી ગયો છું. મને લાગતું મને ન્યાય મળશે પણ ન્યાય કરનાર જ અન્યાય કરે તો હું કયાં જાવ.

આશા હું તને અધવચ્ચે છોડીને જાવ છું. મને માફ કરજે ને મારી કાળજાના કટકા જેવી દીકરી માહીનું ધ્યાને રાખજે. હું મારી દીકરીનો પણ ગુનેગાર છું. કેમ કે એવા સમયે તેને છોડી જાઉં છું કે, જ્યારે મારા હાથની જરૂરી છે. દીકરી તારા આ બાપને માફ કરજે. આશા મને ખબર છે કે તું એકલી હોઇશ તો તું આ આઘાત સહન નહી કરી શકે. એટલે મેં જૂનાગઢથી રાજેશભાઇને કામનાં બહાને બોલાવ્યા છે. હું કાંઇ કાયર નથી. પણ આ બધા અધિકારીઓએ એટલો હેરાન કર્યો છે કે હું મારા ઉપરનો કાબૂ ગુમાવી બેઠો છું. હું મારી દીકરીનાં સમ ખાઇને કઉં છું કે મેં ક્યારેય કોઇનું ખોટું નથી કર્યું. બાકી ઉપરનાં બધા આક્ષેપો ખોટા અને ઉપજાવી કાઢેલા છે. જેમ મરનાર ખોટું ના બોલે તેમ હું પણ સાચું કહું છું.

મારા બધા પરિવારજનો મારા બાબતે દુ:ખી ન થતા ધ્યાન રાખજો ને સમર્થ તું ભણવામાં ધ્યાન રાખજે ને મોટો થઇ પોલીસ ખાતા સિવાય ગમે તે નોકરી કરજે. મારા મોટા ભાઇ ભાભી હું તમારો ગુનેગાર છું. મને માફ કરજો.

રાજુ તને મારી અરજ છે કે મને હેરાન કરનાર હરિકૃષ્ણ પટેલ, આર જે સવાણી, જુલી કોઠિયા અને નીતા દેસાઇ તેમ જ મારી સામે ખોટી અરજી કરનાર કરશન જોગલ, ગોવિંદ સોલંકી તથા રામ ઓડેદરા આ બધા સામે કાયદેસર કાર્યવાહી કરી મને ન્યાય અપાવવાની કોશિશ કરજે.

રાજુ મારી ખાતાકીય તપાસની ફાઇલમાં એક ચિઠ્ઠી છે તે જો જે ને મને ન્યાય મળે તેવુ કરજે. ફરી કહું છું હું કાયર નથી પણ આ લોકો વચ્ચે રહી મારે નોકરી કરવાની છે ને મને તેવો ક્યાંકને ક્યાંક ફસાવતા જ જશે. તો હું શું કરૂ ? હું પણ મારા મિત્ર પીએસઆઇ શ્રી જાડેજાની જેમ નોકરી કરી શકુ તેમ નથી. મને માફ કરજો. વધુ એક માળો વિખાય ગયો. આશા માહીનું ધ્યાન રાખજે અલવિદા…

‘તેરી દુનિયા સે હોકર મજબૂર ચલા મેં બહોત દૂર બહોત દૂર ચલા’ -અનિલ

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here