અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસમાં ફરી અંદર અંદર ઝઘડા શરૂ થઈ ગયા છે. પરંતુ આ વખતે આ લડાઈ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સુધી પહોંચી ગઈ છે. રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિ ચાવડા અને વિધાનસભામાં વિરોધ પક્ષન નેતા પરેશ ધાનાણીને તેમના આંતરિક મતભેદો ભૂલી જવા અથવા તો આમ ન કરી શકે તો પાર્ટી છોડી દેવા ચીમકી આપી છે.
આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના કોંગ્રેસના નેતાઓ દિલ્હી એક મીટીંગમાં ગયા હતા. આ મીટીંગમાં ચાવડા અને ધાનાણી વચ્ચેના મતભેદોની ચર્ચા થતા બાકીના અગત્યના મુદ્દા કોરાણે મૂકાઈ ગયા હતા. મીટીંગમાં હાજર અન્ય સભ્યોને ઝટકો તો ત્યારે લાગ્યો જ્યારે રાહુલ ગાંધીએ કડક વલણ અપનાવીને ગુજરાતના નેતાઓને કહ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસનું પરફોર્મન્સ સુધર્યું છે પરંતુ ચાવડા અને ધાનાણી વચ્ચેના ઝઘડા ખેદજનક છે અને આ કારણે પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે.
સૂત્રોએ જણાવ્યું કે આ બંનેના મતભેદોને કારણે PCC (પ્રદેશ કોંગ્રેસ કમિટી) બોડી નથી બની શકી આ ઉપરાંત વિવિધ જિલ્લાઓમાં મહત્વની જગ્યાઓએ કોંગ્રેસના પ્રમુખોની નિમણૂંકનું કામ પણ અટકી પડ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના કેન્દ્રના નેતા અને ગુજરાતના ઈન-ચાર્જ રાજીવ સતવને ચાવડા અને ધાનાણી વચ્ચેના મતભેદો વિષે જાણ છે પરંતુ તેમને તેમાં સફળતા નથી મળી.
ઉલ્લેખનીય છે કે વિધાનસભાની 182 બેઠકોમાંથી ભાજપને 99 સીટ મળી હતી અને કોંગ્રેસે દર વખત કરતા 16 વધુ સીટો જીતી હતી. કોંગ્રેસ પાર્ટીને મળનારા વોટમાં પણ 2.5 ટકાનો વધારો થયો હતો. લોકસભા ઈલેક્શન 2019ના મધ્યમાં યોજાવાના છે અને ગુજરાતમાં 26 સીટ છે. અત્યારે કોંગ્રેસ પાસે તેમાંથી એકપણ સીટ નથી.
રાહુલ ગાંધીએ પરેશ ધાનાણી અને અમિત ચાવડા સામે નારાજગી દર્શાવતા બંને નેતાઓએ અંદર અંદર સુલેહ કરવાની તેમને બાંહેધરી આપી છે. તેમણે ગાંધીને વિશ્વાસ અપાવ્યો હતો કે તેમની વચ્ચેના મતભેદોને કારણે ગુજરાત કોંગ્રેસ પાર્ટીને કોઈ નુકસાન થશે નહિં. તેમણે રાહુલ ગાંધીને વધુમાં જણાવ્યું કે, “અમે જણાવીએ છીએ કે આગળથી તમારે આ અંગે ચર્ચા નહિં કરવી પડે અને અમારા વચ્ચે જે નાના નાના મતભેદો છે તે અમે દૂર કરી દઈશું.” રાહુલ ગાંધી ઓક્ટોબરમાં ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતા છે.