ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા જ રાહુલ ગાંધીના માટે આવ્યા છે સારા સમાચાર. આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા રાહુલ ગાંધી તેમના નવા અધ્યક્ષ છે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે. વધુમાં 16 ડિસેમ્બરે તેમની અધિકૃત રીતે તાજપોશી. નોંધનીય છે કે સોનિયા ગાંધી પછી હવે રાહુલ ગાંધી કોંગ્રેસનું કામકાજ નવા અધ્યક્ષના રૂપમાં સંભાળશે. કોંગ્રેસના મુલ્લપાલલી રામચંદ્રન જણાવ્યું કે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નામાંકન ભર્યું હતું. અને તે એક માત્ર ઉમેદવાર હોવાના કારણે તે બિનહરિફ જીતીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે હાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે રાહુલ ગાંધી કોંગ્રેસનો ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. આવા સમયે જ આ સમાચાર આવ્યા છે.
દેશની સૌથી જૂની કોંગ્રેસ પાર્ટી પર દાયકાઓથી એક જ પરિવારનું રાજ રહ્યું છે. અત્યાર સુધી નહેરુ-ગાંધી પરિવારમાંથી મોતિલાલ નહેરુ, પંડિત જવાહરલાલ નહેરુ, ઈન્દીરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી કોંગ્રેસનું અધ્યક્ષ પદ સંભાળી ચૂક્યા છે. અત્યાર સુધીના 132 વર્ષના ઈતિહાસમાં 32 વર્ષ નહેરુ-ગાંધી પરિવારના લોકો અધ્યક્ષ રહ્યા. હવે વારો આવ્યો છે રાહુલ ગાંધીનો. ૧૩૨ વર્ષ જૂના પક્ષનું સુકાન હવે આ જ નહેરુ-ગાંધી પરિવારના વંશજ ૪૭ વર્ષીય રાહુલના હાથમાં આવ્યું છે. આ પરિવારમાં સૌથી વધુ સમય સુધી અધ્યક્ષ પદ પર રહેવાનો રેકોર્ડ સોનિયા ગાંધીના નામે છે. સોનિયા ગાંધી સળંગ 19 વર્ષ સુધી અધ્યક્ષ પદ પર રહ્યા છે.
કોંગ્રેસ પાર્ટીની સ્થાપના 29 ડિસેમ્બર 1884માં થઈ હતી. અને અનેક લોકોએ પાર્ટીના અધ્યક્ષ પેદે રહીને કમાન સંભાળી છે. પણ નહેરુ-ગાંધી પરિવારની વાત કરીએ તો આ પરિવારમાંથી અધ્યક્ષ બનવાના બીજ 1928માં રોપાયા હતા. 1928માં મોતીલાલ નહેરુએ પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા. બાદમાં 1929 અને 1930 એમ બે વર્ષ મોતીલાલના પુત્ર જવાહરલાલ નહેરુએ પાર્ટીની કમાન સંભાળી હતી. ત્યાર બાદ 1936 અને 1937 એમ બીજા બે વર્ષ માટે જવાહરલાલ નહેરૂ પાર્ટી અધ્યક્ષ પદે ચૂંટાયા હતા. ત્યારબાદ 1951 થી 1954 સુધી પાર્ટીના અધ્યક્ષ પદે રહ્યા હતા. આમ પંડિત નેહરુ લગભગ છ વાર કોંગ્રેસ અધ્યક્ષ બન્યા. 1959 માં તેમની પુત્રી ઈન્દીરા ગાંધી એક વર્ષ માટે પાર્ટીના અધ્યક્ષ બન્યા અને પછી 1978 થી 1984 સુધી ઈન્દીરા ગાંધીએ પાર્ટીનુ અધ્યક્ષ પદ સંભાળ્યું. 1985થી 1991 સુધી ઈન્દીરા ગાંધીના પુત્ર રાજીવ ગાંધી અધ્યક્ષ પદે રહ્યા અને ત્યાર બાદ રાજીવ ગાંધીના પત્ની સોનિયા ગાંધી 1998 થી 2017 સુધી સતત 19 વર્ષ સુધી સૌથી લાંબો સમય અધ્યક્ષ પદ ભોગવ્યું છે.