અમદાવાદ સહિત સૌરાષ્ટ્રમાં આજથી બે દિવસ ભારે વરસાદ આગાહી હવામાન વિભાગે આગાહી આપી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લોપ્રેશર અને સાઈક્લોનિક સરક્યુલેશનને સિસ્ટમને પગલે આગામી બે દિવસ અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ સહિત આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, નર્મદા અને દમણ તેમજ સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, અમરેલી, દ્વારકા સહિત અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જો કે ત્રીજા દિવસ બાદ વરસાદમાં ઘટાડો થવાની સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની વકી છે.
બીજી બાજુ વરસાદી માહોલ વચ્ચે તાપમાનમાં ઘટાડો થવાની સાથે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે પરંતુ હજુ પણ લોકોને બફારો સહન કરવો પડી રહ્યો છે. મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1.4 ડિગ્રી વધીને 35.6 ડિગ્રી તેમજ લઘુતમ તાપમાન 27.0 ડિગ્રી નોંધાયું હતું.
રાષ્ટ્રીય આપદા પ્રબંધન દળ એટલે કે, NDRFની છટ્ઠી બટાલિયન વડોદરા નજીક જરોદમાં કાર્યરત છે અને તમામ પ્રકારની કુદરતી આફતો, અકસ્માતો અને દુર્ઘટનાઓમાં જાનમાલના બચાવની અદ્યતન તાલીમ અને સાધનોથી સુસજ્જ છે. આ દળ રાજ્ય સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સાથે સંકલન જાળવીને આફતના પ્રસંગે બચાવ અને રાહતની અસરકારક કામગીરી કરે છે. તાજેતરમાં તાઉ-તે વાવાઝોડાની આફતમાં NDRFની ટીમોએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સેવાઓ આપી હતી.