હજી નહી પડે ધોધમાર વરસાદઃ હવામાન વિભાગે કરી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

અમદાવાદ શહેરમાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરતું દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટાં કે છાંટા પડે છે, જેને કારણે લોકોમાં નિરાશા જોવા મળી છે. જો કે, વરસાદી માહોલને કારણે ઠંડકમાં વધારો થતાં લોકોએ ગરમીથી રાહત મેળવી છે.

હવામાન વિભાગના આંકડા મુજબ, રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી અને લઘુતમ 25.3 ડિગ્રી નોંધાયું હતું. દિવસ દરમિયાન વરસાદી માહોલ વચ્ચે કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટા કે ઝાપટાં પડ્યાં હતા. આગામી ચાર-પાંચ દિવસ દરમિયાન અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાંની શક્યતા છે. અમદાવાદ સહિત રાજ્યમાં ભારે વરસાદની ગેરહાજરીથી મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 30 ડિગ્રીની આસપાસ નોંધાયો છે.

સમગ્ર રાજયમાં 31.8 ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

છેલ્લા એક સપ્તાહથી મેઘરાજા સંતાકૂકડીની રમત રમી રહ્યા છે. ગમે ત્યારે ધોધમાર વરસાદ તૂટી પડે તેવા કાળાડિબાંગ વાદળો વહેલી સવારથી છવાઇ છે, પરંતુ ક્યાંય પણ વરસાદ પડતો નથી. આખા દિવસમાં છૂટાછવાયા વિસ્તારમાં હાજરી પુરાવા પૂરતો ઝરઝર વરસાદ પડી રહ્યો છે. હવે તો લોકો પણ વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.

ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડની જમાવટ થયા બાદ હવે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ થયો છે, જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હજી વરસાદની ઘટ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી બીજી અને ત્રીજી ઓગસ્ટે વરસાદનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 5 ઓગસ્ટ સુધી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થશે. જ્યારે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Scroll to Top