ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ વરસ્યો નથી. ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં વાદળ છાયુ વાતાવરણ રહે છે અને જોરદાર અંધારીને પણ આવે છે પરંતુ વરસાદ વરસતો નથી. જો કે, હજી પણ ગુજરાત અને ગુજરાતીઓએ સારા વરસાદ માટે રાહ જોવી પડે તેવા સમાચારો મળી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અત્યારે ગુજરાતમાં સારો વરસાદ આવે તે માટે કોઈપણ સિસ્ટમ સક્રીય નથી. એટલે હજી ગુજરાતમાં અત્યારે કોઈપણ પ્રકારનો ધોધમાર વરસાદ થાય તેવી શક્યતાઓ નથી. મહત્વનું છે કે, ગુજરાતમાં આ વર્ષે સારો કહી શકાય એવો વરસાદ વરસ્યો નથી અને ગુજરાતમાં હજી પણ વરસાદની ઘટ યથાવત છે.
હવામાન વિભાગે આ મામલે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં અત્યારે ધોધમાર વરસાદ પડવાના કોઈ એંધાણ નથી. પરંતુ આગામી બે દિવસમાં હળવો વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે આ વર્ષે ગુજરાતમાં હજી માત્ર 35 ટકા જેટલો જ કુલ વરસાદ વરસ્યો છે. ત્યારે જો આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ નહી પડે તો આગામી સમયમાં રાજ્યમાં પાણીની ઘટ વરતાય તેવી શક્યતા છે.