આગામી 5 દિવસમાં ગુજરાતમાં વરસશે હજી વધુ વરસાદઃ હવામાન વિભાગે કરી આગાહી

રાજયમાં મેઘરાજાએ થોડો વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે. જો કે, સૌથી વધારે વરસાદ અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી બીજી અને ત્રીજી ઓગસ્ટે વરસાદનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 5 ઓગસ્ટ સુધી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થશે.

ગુજરાતના 68 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં દાહોદ, મોરબી, સાબરકાંઠા, મહેસાણા, મહિસાગર, નવસારી, વલસાડ અને તાપી સહિત 22 જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે. રાજ્યમાં એવા અનેક વિસ્તારો છે જ્યાં વરસાદની ઘટ જોવા મળી છે. રાજ્યના 18 તાલુકામાં અત્યાર સુધીમાં માત્ર 50 ટકાથી વધુ વરસાદ થયો છે.

ડાંગ જિલ્લામાં મેઘમહેરનું તાંડવ હળવુ થતા ગિરિમથક સાપુતારા સહિતનાં અન્ય પ્રવાસન સ્થળોએ કુદરતી સૌંદર્યનો આસ્વાદ માણવા માટે પ્રવાસીઓનો ધસારો નોંધાયો હતો.ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજાની ધબધબાટી ધીમી બની છે. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત ત્રીજા દિવસે ક્યાંય ઝરમરીયો વરસાદ તો ક્યાંક ઝાપટા સ્વરૂપનો વરસાદ પડતા હાલમાં સમગ્ર પંથકોનું જનજીવન થાળે પડ્યું છે. ડાંગમાં વરસાદી માહોલ ધીમો પડતા પાણીથી ધસમસતા નદી-નાળા અને વહેળાઓ શાંત ગતિમાં વહી રહ્યાં છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે અષાઢ માસ અડધાથી વધુ પુરો થઇ ગયો હોવા છતાં હજુ ગોહિલવાડ પંથક સાર્વત્રિક ધોધમાર વરસાદથી વંચિત રહેતા આ વર્ષે ચોમાસાની સિઝનનો કુલ સરેરાશ વરસાદ 205 મી.મી. થયો છે જે સિઝનના કુલ વરસાદ 595 મી.મી.ના 35.08 ટકા થાય છે. આ જ સમયગાળામાં ગત વર્ષે ભાવનગર જિલ્લામાં કુલ એવરેજ વરસાદ 268 મી.મી. એટલે કે સિઝનના કુલ વરસાદના 45.03 ટકા વરસાદ હતો. આથી આ વર્ષે હજી વરસાદમાં 10 ટકાની ઘટ રહી ગઇ છે.

Scroll to Top