ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. વાદળછાંયા વાતાવરણ વચ્ચે બપોર સુધી અસહ્ય બફારો જોવા મળ્યો હતો. પરંતુ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને ધોધમાર વરસાદી ઝાપટું વરસી જતા શહેરમાં ઠંડક પ્રસરી ગઇ છે. પશ્ચિમ રાજકોટમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ મેટોડા GIDCમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર ગોઠણસમા પાણી ભરાયા હતા. આથી વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. રાજકોટમાં મોસમનો 7 ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજકોટના શહેરના કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી વહ્યા હતા. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આથી મનપાની પ્રી-મોન્સુનની કામગીરી અંગે લોકોમાં સવાલ ઉઠ્યા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર તો પૂર્વ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો.

સિદ્ધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી જળબંબાકાર વરસાદ ખાબકતા સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ અને ખડિયાસણ વચ્ચે આવેલી મોહિની નદીમાં ઘોડાપુર આવ્યું છે. સતત વરસાદનાં કારણે નદી બે કાંઠે છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. ગ્રામ્ય વિસ્તારના કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ત્યારે ગામમાં જવાની ઉતાવળ એક બાઇક ચાલકને ભારે પડી હતી.

ધસમસતા પ્રવાહ વચ્ચે બાઇક નાખીને પસાર થવા દરમિયાન અધવચ્ચે જ બાઇક બંધ પડી જતા બાઇક તણાયું હતું. જો કે ચાલકે જીવનાં જોખમે બાઇક બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રવાહમાં સદનસીબે બાઇક પડતું મુકીને બહાર આવવાને બદલે તેણે બાઇક બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બાઇક બચી શક્યું નહોતું પરંતુ બાઇક ચલાવનારને ટ્રેક્ટરમાં રહેલા અન્ય લોકોએ બચાવી લીધો હતો.

રાજ્યમાં સતત બીજા વર્ષે ચોમાસું સારું જવાના અણસાર હોય એમ એની શરૂઆતમાં જ સારો વરસાદ પડી રહ્યો છે. શુક્રવારે સવારે 8 વાગ્યાની સ્થિતિએ રાજ્યમાં અત્યારસુધીનો સરેરાશ 32.83 MM વરસાદ પડ્યો છે.

Scroll to Top