ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ બોલાવી “ધબધબાટી”: જાણો ક્યાં થયો કેટલો વરસાદ

હવામાન વિભાગે વરસાદને લઇને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, હજુ પણ ભારે વરસાદ માટે ખેડૂતોએ રાહ જોવી પડશે. વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા ભારે વરસાદની શક્યતા નહીંવતહીં છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. બીજી બાજુ અમદાવાદમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડશે. આગામી 5 દિવસમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે.

દીવ, ભાવનગર, અમરેલી, પોરબંદર અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં આગામી બે દિવસ વરસાદ રહેશે. પરંતુ ભારે વરસાદ નહીં થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. વડોદરા શહેરમાં ત્રણ દિવસના ભારે ઉકળાટ બાદ ગઇ કાલેમોડી રાત્રે વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ થયો હતો. લોકો અસહ્ય બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતાં. ત્યારે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ અને પવન ફૂંકાવા સાથે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

જ્યારે જેતપુર પંથકના ખીરસરા, વાડસડા, સ્ટેશન વાવડી, અમરનગર સહિતના ગામોમાં વરસાદનું આગમન થયું હતું. વરસાદના પગલે જેતપુર તાલુકાના ખીરસરા ગામે સ્થાનિક નદીઓમાં પુર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ખીરસરા થી વાડસડા જવાનો રસ્તો બંધ થઇ ગયો છે. અત્યાર સુધીમાં જેતપુરના ગ્રામ્ય પંથકોમાં દોઢથી બે ઇંચ વરસાદ નોંધાયો છે.

બીજી બાજુ દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો. દાહોદમાં રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. દાહોદ શહેર તેમજ ગરબાડા, લીમખેડા, સિંગવડ સહિત આસપાસના વિસ્તારમાં સારો એવો વરસાદ વરસ્યો હતો. દાહોદમાં વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાયાવદર ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના લીધે ખેતરોમાં પાણી ભરાયા હોવાથી ખેડૂતોને ફાયદો થશે. ભાયાવદર પંથકમાં પોણા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

રાજકોટ શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં આજે સવારથી જ વાદળો છવાયેલા હતા. ત્યારે બપોરે ભારે પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો. જસદણ તાલુકામાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. ગોંડલ શહેર ઉપરાંત આસપાસના ઘણા ગામોમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે. જેથી ખેડૂતોમાં આનંદ લાગણી જોવા મળી રહી છે.

Scroll to Top