ભારત દેશના તમામ રાજ્યોમાં અત્યારે ડોર-ટુ-ડોર કોરોના વેક્સિનેશન ચાલી રહ્યું છે. તમામ જગ્યાએ વેક્સિનેશન કેન્દ્રો ખોલવામાં આવ્યા છે જ્યાં જઈને લોકો કોરોના વેક્સિન લઈ શકે છે. ત્યારે ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનના બિકાનેરમાં ડોર-ટૂ-ડોર કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે.
આવતીકાલથી બિકાનેરમાં આ ડોર-ટુ-ડોર વેક્સિનેશનની શરૂ આત કરવામાં આવશે. આ માટે બિકાનેરમાં બે એમ્બ્યુલન્સ અને ત્રણ મોબાઈલ ટીમે હવે ઘરે ઘરે જઈને લોકોને કોરોના વેક્સિન આપવા માટે તૈયાર છે. આ માટે તંત્ર દ્વારા લોકો રજીસ્ટ્રેશન કરી શકે તે માટે એક વ્હોટ્સએપ નંબર દ્વારા હેલ્પલાઈન શરૂ કરી છે.
ડોર ટૂ ડોર વેક્સિનેશન કરનારું રાજસ્થાનનું બિકાનેર એવું પ્રથમ શહેર બનશે કે જ્યાં આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જો કે, સૌથી મોટી વાત એ છે કે, આ સુવિધા માત્ર 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકો માટે જ છે. વેક્સિનની બરબાદી રોકવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે કે ઘરે-ઘરે જઈને રસીકરણ કરવામાં આવશે. જ્યાં ઓછામાં ઓછા 10 લોકો હાજર હશે ત્યાં રસીકરણ કરવામાં આવશે આ માટે તેમણે રજીસ્ટ્રેશનની સુવિધા રાખી છે.
મહત્વનું છે કે રાજસ્થાનમાં કોરોનાથી થનારા મોતનો આંકડો વધીને 8749 થઈ ગયો છે. તો કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 9 લાખ 48 હજાર 24 સુધી પહોંચી ગઈ છે. તેમાંથી 9 લાખ 32 હજાર 161 લોકો સાજા થઈ ચુક્યા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 8400 છે.