ગોંડલ પાસેના લીલાખા ગામના સોફ્ટવેર એન્જિનિયર હાર્દિક હડિયા 18મેએ અકસ્માત બાદ ગુરુવારે રાત્રે બ્રેઇન ડેડ જાહેર કરાયો. તેના શરીરમાંથી કાઢવામાં આવેલી બે કીડની, લિવર અને પેન્ક્રીયાસ ત્રણ દર્દીના શરીરમાં નાખવામાં આવ્યું છે. પાદરાના દિનેશભાઇ સોલંકીને એક કિડની અને પેન્ક્રીયાસ, કોટાના સલમાબહેનને કિડની અને નડિયાદના રોશનીબહેનને લિવર નાખવામાં આવ્યું છે. શૂન્ય પાલનપુરીની પંક્તિઓ છે કે, ‘જમાનો એને મરણ માને તો ભલે માને, કદમ મારા વળી ગયા અસલ મુકામ તરફ’
કીડની ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશનમાં જતા પહેલા ખુબ જ ખુશ થઇ ગયેલા સલમા બહેને તેમના પતિ ઝાહીદભાઇને ખુદાએ પોતાની દુઆ સાંભળી લીધી હોવાનું જણાવ્યું હતું. રમઝાન મહિનામાં અને એ પણ શુક્રવારે જ તેમનું ઓપરેશન થઇ રહી હોવાથી ખુબ ઉત્સાહમાં હતા.
તેમના પતિ ઝાહીદભાઇએ જણાવ્યું હતું કે, 26 નવેમ્બર, 2008ના રોજ તેમનું પહેલું કીડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરાવ્યું હતું. જે તેમના નાના દીકરાએ તેમને આપી હતી. ડીસેમ્બર 2015માં આ કીડની પણ ફેઇલ થઇ ગઇ. પછી તેમને ડાયાલિસીસ ચાલુ કરવો પડ્યો. આ દરમ્યાન તેમને ખુબ પીડા થતી હતી. આખરે ફરિવાર કીડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરાવવા માટે અમદાવાદ આવવાનું થયું. એક વર્ષ સુધી અમે ભાડે રહ્યા.
દિનેશે કહ્યું, ‘કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય પછી મારે વર્લ્ડ ટૂર કરવી છે’ :
વડોદરાના પાદરાના વતની દિનેશકુમાર સોલંકી પાંચ વર્ષથી કીડનીની બિમારીથી પીડાતા હતા. ડાયાબીટીસ અને કીડની ફેઇલ થઇ હોવા છતાં દિનેશે ક્યારેય હતાશા આવવા દીધી નથી. 28 વર્ષના દિનેશે આવતા વર્ષે વર્લ્ડ ટુર પર જવાની ઇચ્છા પરિવાર સમક્ષ કરી હતી. દિનેશના પિતા જસભાઇ સોલંકીએ જણાવ્યું કે, “દિનેશ ક્યારેય હિંમત હાર્યો નથી. તે કાયમ ઉત્સાહી અને પોતાની જિંદગીને માણતો રહ્યો છે. તેને સ્કોર્પીયો ગાડી લાવવાની અને વિદેશમાં ફરવાની ખુબ ઇચ્છા હતી. જે હવે કીડની ટ્રાન્સપ્લાન્ટ થયા બાદ તે પૂર્ણ કરશે તેનો મને વિશ્વાસ છે. 2015માં તેની કીડની ફેઇલ થઇ જતા તેણે નોકરી બંધ કરી દીધી હતી. અવારનવાર અમદાવાદ ડોકટરને બતાવવા આવવાનું હોવાથી પૈસાની પણ અછત પડતી પણ આખરે ઈશ્વરે ન્યાય કર્યો છે.
નડિયાદમાં રહેતી રોશની કાંતિલાલ ઠાકરને છેલ્લા દોઢ વર્ષથી લીવરની બિમારી હતી. આખરે તેનું લીવર ફેલ થઇ જતા તેને બદલવાની ફરજ પડી હતી. રોશનીના પિતા કાંતિલાલને લકવો થઇ ગયો છે. તેની માતા મંજુલાબહેને જણાવ્યું હતું કે, તેને કમળામાંથી કમળી થઇ ગયા બાદ લીવર ફેલ થયુ હતું. મારે બિલોદરા જેલમાં ટીફીન સર્વિસનું કામ છે.
મારી દીકરી પણ આ કામમાં મને મદદરૂપ થાય છે. તેનાથી જ અમારા પરિવારનું ગુજરાન ચાલે છે. તેની તથા મારા પતિની બિમારીને કારણે અમે આર્થિક ભીંસમાં મુકાઇ ગયા હતા. બિમારીને કારણે કંટાળેલી રોશનીને લગ્ન કરવાનું સ્વપ્ન હતું. તે કાયમ કહેતી કે મને કોઇ લીવરનો ડોનર મળશે તો તો લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવીને તને વ્યવસાયમાં મદદરૂપ થઇશે અને સાથે જ લગ્ન કરીને મારો સંસાર શરૂ કરીશ.