રાજકોટઃ પીએમ મોદી જૂન-2017 પછી ફરી એકવાર તેમને રાજકારણમાં પ્રવેશ અપાવનાર રાજકોટ શહેરમાં આવી રહ્યા છે. જોકે આ પહેલા તેઓ આણંદ અને કચ્છ જવાના છે અને ત્યાર બાદ રાજકોટ આવશે. પીએમ મોદી શહેરમાં આશરે બે કલાક રોકાશે. જેને લઈને સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલી ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં સાંજે 5 વાગ્યે પીએમ મોદીની સભા યોજાશે. આ માટે સરકારના માર્ગ-મકાન વિભાગના સૂત્રો અનુસાર 350 બાય 4૦૦ ફૂટનો ફાયર અને વોટર પ્રૂફ એવો જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડોમ પાછળ આશરે 6૦ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ડોમની ઉંચાઈ 20થી 3૦ ફૂટની હોય છે અને તેમાં સ્ટેજથી મેદની વચ્ચેનો એક મોટો હિસ્સો સિક્યુરિટીના દ્રષ્ટિકોણથી ખાલી રાખવામાં આવશે, જેમાં આશરે 15 હજાર લોકો તેમાં બેસી શકશે.
દોઢ સદી પહેલાની સ્કૂલ બિલ્ડીંગમાં AC ફીટ કર્યા
પીએમ મોદી જ્યુબિલી ચોક પાસે મહાત્મા ગાંધીઅનુભૂતિ કેન્દ્રનું લોકાર્પણ કરશે. આ દોઢ સદી પહેલાની સ્કૂલ બિલ્ડીંગમાં હવે એ.સી.ફીટ કરવામાં આવ્યા છે અને તાબડતોબ વૃક્ષ છેદન અને વૃક્ષારોપણ, રંગરોગાન કરવા માટે મનપા તંત્ર દસ દિવસથી કામે લાગ્યું છે. વિદ્યાર્થીઓ ગાંધી વેશભૂષામાં આવીને અને આ દિવસ પૂરતા કાર્યક્રમ ગાંધીમય બને તે માટે પણ તૈયારી થઈ રહી છે.
પીએમ મોદીનો રૂટ
પીએમ મોદી સૌ પહેલા એરપોર્ટ પર આવી, રેસકોર્સ રીંગરોડ, બહુમાળી ભવન, ચૌધરી હાઈસ્કૂલ ચોક થઈ ગાંધી અનુભૂતિ કેન્દ્રએ આવશે. આ આશરે 2 કિ.મી.ના રૂટ પર ફૂટપાથો પર બેરીકેડ ઉભી કરાઈ છે. સમગ્ર રૂટ પર એક પણ ગાબડું ન રહે તે માટે તાબડતોબ ડામર કામ પૂરું થયું છે. આ ઉપરાંત વિશાળ કટઆઉટ, પ્રતિકૃતિઓ ચોકે ચોકે મુકવામાં આવી છે. રોશનીનો ઝાકમઝોળ પાછળ પણ લાખોના ખર્ચે કરવામાં આવ્યો છે.
ગાંધી મ્યુઝિયમ બિલ્ડીંગમાં તો પ્રથમથી જ લોકોને જવાની મનાઈ કરી દેવાઈ છે, હવે ત્યાં ચૂસ્ત પહેરો ગોઠવી દેવાયો છે. સમગ્ર કેન્દ્રના પરિસર સી.સી.ટી.વી.થી સજ્જ છે. રૂટ પર અને
આજુબાજુ પણ સીસીટીવી રાઉન્ડ ધ ક્લોક ચાલશે.
ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત
પીએમના આગમનને લઈ શહેરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેને પગલે 6 એસપી, 19 ડીવાયએસપી, 39 પીઆઈ, 168 પીએસઆઈ સહિત કુલ 2750 પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. પોલીસની સાથે SRPની 3 કંપની અને BDSની 7 ટીમ અને SPGની ટીમ પીએમ મોદીના બંદોબસ્તમાં ખડેપગે રહેશે.
સાંજે 7 વાગ્યે દિલ્હી જવા રવાના થશે
પીએમ મોદી સાંજે 6.20 મિનિટે ચૌધરી હાઇસ્કૂલથી નીકળીને 6.30 વાગ્યે નવનિર્મિત મહાત્મા ગાંધી મ્યુઝિયમ પહોંચશે. 7 વાગ્યા સુધી મ્યુઝિયમમાં ગાંધીજીના સંસ્મરણો સમાન પ્રતિકૃતિઓ નિહાળીને ત્યાંથી સીધા જ 7.05 મિનિટે રવાના થઇ 7.15 વાગ્યે એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી 7.20 મિનિટે એરફોર્સના બોઇંગ વિમાન મારફત દિલ્હી જવા પ્રસ્થાન કરશે.