રાજકોટમાં જમવાની બાબતમાં બે મિત્રો વચ્ચે થયેલો સામાન્ય ઝઘડો હત્યામાં ફેરવાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. મોરબી જિલ્લામાં આવેલી નદીના કિનારે મિત્ર દ્વારા તેના 32 વર્ષના મિત્રને કારની નીચે કચડી નાખવાની સાથે મિત્ર ફરાર થઈ ગયો હતો. જ્યારે પીડિત રણજીત કુંવરિયાનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું જ્યારે આરોપી સુનીલ કોરાડિયા નાસી છુટ્યો છે.
જ્યારે ઘટના ગુરુવારની બપોરે માળીયા મિંયાણા તાલુકાના વેણાસર ગામમાં ઘટી હતી. રણજીત તેનો પિતરાઈ ભાઈ અશોક, સુનીલ અને પ્રકાશ લોલાડિયા દ્વારા ગામના બહારના ભાગમાં વહેતી ઘોડાધ્રોઈ નદીના કિનારે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેઓ પોતાના વાહન દ્વારા વાસણ લઈને ત્યાં પહોંચ્યા હતા. થોડા સમય બાદ તેઓ નદીમાં ફિશિંગ માટે પણ ગયા હતા અને ફિશ કરી તેમજ ભાત પણ બનાવ્યા હતા. તેમ છતાં માછલી મોટી હોવાના કારણે સુનીલે તેના ભાઈ સંદીપને પાર્ટીમાં જોડાવા માટે બોલાવી લીધો હતો.
આ બાબતમાં ફરિયાદી અશોક કુંવરિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે, જ્યારે પાર્ટી ચાલી રહી હતી અને દરેક તેમના ભોજનને માણી રહ્યા હતા તે દરમિયાન સંદીપે વધારે જમવાનું માગ્યું હતું. તેમ છતાં રણજીતે તેમ કહીને આપવાનો ઈનકાર કરી નાખ્યો કે મેં આ જમવાનું બનાવ્યું છે અને આ માછલી પકડી છે અને તું મદદ કરવા માટે આવ્યો નહોતો જેથી તને નહીં આપું. સંદીપનો ભાઈ સુનીલ આ વલણથી ગુસ્સે થઈ ગયો હતો અને તેણે રણજિત સાથે ઝઘડો શરૂ કરવા માટે બહાનું શોધવાનો આરોપ લગાવી દીધો હતો. આ કારણોસર તેમના વચ્ચે બોલાચાલી શરુ થઈ ગઈ હતી.
ત્યાર બાદ સુનીલ અચાનક ત્યાંથી નીકળી ગયો હતો અને પોતાની કારમાં બેસી ગયો હતો. ત્યારે દરેકને લાગ્યું હતું કે, તે ચાલ્યો ગયો હશે, પરંતુ તેણે કારની સ્પીડ વધારી દીધી હતી અને રણજીતને વ્હીલ નીચે કચડી નાખ્યો હતો. રણજીતનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે તેની બાજુમાં ઉભેલા પ્રકાશને પણ ગંભીર ઈજાઓ થઈ હતી.
જયારે પરિસ્થિતિની ગંભીરતાને જોતા કાર ત્યાં જ છોડીને તે નાસી ગયો હતો. પરંતુ અન્ય મિત્રોએ સંદીપને પકડી લીધો હતો અને તેને માર માર્યો હતો. જેમાં તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં કહેવામાં આવ્યું છે કે, સુનીલ સામે બૂટલેગિંગના ગુના નોંધાયેલ છે. માળીયા મિંયાણા પોલીસ સ્ટેશનના પોલીસ સબ-ઈન્સપેક્ટર કે. જે માથુકિયાએ કહ્યું હતું કે, ‘સંદીપ રાજકોટમાં સારવાર હેઠળ છે અને અમે ત્યાં પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધું છે. સુનીલ હજી પણ ફરાર છે, અમે તેને વહેલામાં વહેલી તકે પકડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ’. પોલીસના જણાવ્યા મુજબ તમામ મિત્રો ખેતમજૂરો છે.