મુંબઈઃ અભિનેત્રી રશ્મિકા મંદાના ફરી એકવાર ડીપફેક વીડિયોનો શિકાર બની છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં AIનો ઉપયોગ કરીને ચહેરા સાથે છેડછાડ કરવામાં આવી છે. આ વીડિયોમાં રશ્મિકાના ચહેરાને AIની મદદથી મોડલના શરીર સાથે જોડવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એપ્રિલ 2024માં કોલંબિયાની મોડલ અને કન્ટેન્ટ ક્રિએટર ડેનિએલા વિલારિયલે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે સ્ટ્રેપલેસ બિકીનીમાં વોટરફોલ પાસે પોઝ આપતી જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલા AIની મદદથી મોડેલનો ચહેરો રશ્મિકાના ચહેરા સાથે બદલાયો હતો અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
અગાઉ પણ બની હતી આવી ઘટના
ગત વર્ષે નવેમ્બરમાં રશ્મિકાનો આવો જ એક વીડિયો વાયરલ થયો હતો. એ વિડિયો પણ એઆઈની મદદથી મોર્ફિંગ કરીને બનાવવામાં આવ્યો હતો. જૂના વાયરલ વીડિયોમાં બ્રિટિશ પ્રભાવક ઝરા પટેલના શરીર પર રશ્મિકાના ચહેરાને સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો હતો. જો કે, આ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો અને પોલીસે આરોપીની ધરપકડ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા અભિનેતા રણવીર સિંહ અને આમિર ખાન પણ ડીપફેકનો શિકાર બન્યા છે. બોલિવૂડના ઘણા સ્ટાર્સે ટેક્નોલોજીના દુરુપયોગ પર નારાજગી વ્યક્ત કરી છે.
View this post on Instagram
રશ્મિકાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી
આ વીડિયો વાયરલ થયા બાદ અભિનેત્રી તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. રશ્મિકા અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’માં લીડ રોલમાં જોવા મળશે. આ ઉપરાંત ફહાદ ફૈસીલ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
રશ્મિકાનું વર્ક ફ્રન્ટ
રશ્મિકા મંદાનાના આગામી કાર્યો વિશે વાત કરીએ તો તે સલમાન ખાનની આગામી ફિલ્મ ‘સિકંદર’માં જોવા મળશે. સલમાનની આ ફિલ્મ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થશે. આ ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાલા છે.