દારૂના નશામાં લડખડાતા માણસોને તો તમે જોયા હશે પરંતુ આપણા ગુજરાતના ગાંધીનગરમાં ભેંસો દારૂના નશામાં ધૂત થઈને મસ્તી કરવા માંડી હોવાનો એક અજીબોગરીબ કેસ સામે આવ્યો છે. ભેંસો નશામાં હોવાના સમાચાર મળતા જ પોલીસે માલિક વિરૂદ્ધ ફરિયાદ નોંધીને તેના પાસેથી દારૂની બોટલો જપ્ત કરી હતી.
અસલમાં ભેંસોના માલિકે તબેલામાં મોટી માત્રામાં દારૂની બોટલો છૂપાવીને રાખી હતી. જ્યારે પોલીસે તબેલા પર છાપો માર્યો તો ત્યાંથી 101 દારૂની બોટલો મળી હતી. પરંતુ પોલીસ આવે તે પહેલા જ ભેંસોએ દારૂવાળું પાણી પી લીધું હતુ, તેથી આ માલિકની પોલ ખુલી ગઈ હતી.
દારૂની બોટલો પાણીના કૂંડમાં (હવાડામાં) છૂપાવીને રાખી હતી. આ બોટલો પાણીમાં ગમે તેમ રીતે ખુલી ગઈ હશે અથવા એકાદ-બે બોટલો ફૂટી પણ ગઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ દરમિયાન દરેક ભેંસોએ દારૂવાળું પાણી પી લીધું હતું, તેથી ધીમે-ધીમે તેમને નશો ચડવા લાગ્યો હતો.
પાણી પીધા પછી થોડી જ વારમાં ભેંસો પર નશો ચડવાના કારણે તેઓ આઉટ ઓફ કંટ્રોલ થઈને અહીં-તહીં તોડવા અને કૂદવા લાગી હતી. જ્યારે બે ભેંસો બિમાર પણ પડી ગઈ હતી. ભેંસોની હાલત જોઈને તબેલાના માલિકે જાનવરોના ડોક્ટરોને બોલાવ્યો. જ્યારે ડોક્ટર તબેલામાં પહોંચ્યો તો તેને હવાડાનું પાણી જોઈને આશ્ચર્ય થયું. પાણીનો રંગ બદલાયેલો હતો અને તેમાંથી અજીબ પ્રકારની સ્મેલ આવી રહી હતી. આ વિશે પૂછવા પર તબેલાના માલિકે કહ્યું કે, ઝાડના પત્તા અને અન્ય ઝાડવા પડવાના કારણે આવું થયું છે.
જોકે ડોક્ટર આ જવાબથી સંતુષ્ટ થયો નહીં અને તેને LCBની ટીમને આ વિશે જાણકારી આપી દીધી. તે પછી પોલીસ તબેલામાં પહોંચી તો તેને ત્યાં મોટા પ્રમાણમાં દારૂ મળી આવ્યો. તબેલામાં મળી આવેલા દારૂની કિંમત 35 હજાર રૂપિયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કેટલીક બોટલો તૂટી ગઈ હોવાના કારણે દારૂ પાણીમાં ભળી ગયું હતુ અને ભેંસોએ તે પાણી પી લીધું હતું. જેથી તેઓ બેકાબૂ થઈ ગઈ હતી. જોકે, પોલીસ તપાસ કર્યા પછી માલિકો દિનેશ ઠાકોર, અંબારામ ઠાકોર અને રવિ ઠાકોર વિરૂદ્ધ કેસ નોંધાવશે.