અમદાવાદના દરિયાપુરમાં રેડ કેસઃ પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા

ગુજરાતમાં અત્યંત ચર્ચાસ્પદ બનેલી અમદાવાદ શહેરની દરિયાપુરમાં આવેલી મન પસંદ જીમખાના રેડ બાદ દરિયાપુર પીઆઇ આર આઈ જાડેજા, ડી સ્ટાફ પીએસઆઇ પટેલ અને ડી સ્ટાફના માણસો સસ્પેન્ડ કરતા ફફડાટ વ્યાપી ગયો છે.

રાજ્ય પોલીસ વડાએ પીઆઇ અને પીએસઆઇને સસ્પેન્ડ કર્યા હતા. જ્યારે પોલીસ કમિશનરને શરમજનક સ્થિતિમાં મુકતા ડી સ્ટાફ સસ્પેન્ડ અને પીસીબીના કર્મીઓની બદલી કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દરિયાપુર જીમખાના નજીક જ એસીપી પણ બેસતા અને વહીવટદારો પણ હતા પરંતુ દબાણ વશ કોઈ પર કાર્યવાહી ન થઈ હોવાની પોલીસ બેડામાં ચર્ચા ચાલી રહી છે.

દરિયાપુરના મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનીટરિંગ સેલે દરોડો પાડીને જુગાર રમતા 183 ખેલાડીઓને પકડ્યા હોવાના પ્રકરણમાં દરિયાપુર પીઆઇ, ડીસ્ટાફ, પીએસઆઇ અને ડી સ્ટાફના 12થી 15 માણસોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.દરિયાપુરમાં આવેલી મન પસંદ જીમખાના રેડમાં 183 જુગારીઓ અને રોકડ રકમ મળી આવી હતી. રેડ બાદ દરિયાપુર પોલીસ સ્ટેશનના બે વહીવટદાર, એસીપી ના વહીવટદાર તથા ડીસીપી ઝોન 4 ના વહીવટદાર સામે કોઈ કાર્યવાહી ન થતા ચર્ચાનો વિષય બન્યો છે.

ગુરુવારે સાંજે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પીસીબીના 9 પોલીસ કર્મીની ટ્રાન્સફર કરી દીધી હતી. જોકે હજુ પણ વર્ષોથી રહેલા પોલીસ કર્મીઓને પીસીબીમાંથી ન કાઢતા ચર્ચાનો વિષય બન્યો છે. તેમનો એક નાનો દેખાતો કોન્સ્ટેબલ તો એક ઉચ્ચ અધિકારીના ઘરે જ સેવા માં રહેતો હોવાથી તેની બદલી કરી શકાતી ન હોવાની ચર્ચા છે.

દરિયાપુર જીમખાના રેડમાં ડીસીપીના વહીવટદાર પ્રકાશ સિંહની ભૂમિકા મુખ્ય અને શંકાસ્પદ હોવાની ચર્ચા પોલીસ બેડામાં થઈ રહી છે. પ્રકાશ લાંબા સમયથી ઝોન 4 ના પોલીસ સ્ટેશનો અને ખાસ કરી દરિયપુરમાં મજબૂત નેટવર્ક ધરાવતો હોવાનું પોલીસ માની રહી છે.

Scroll to Top