બોલિવૂડની સક્સેસફુલ એક્ટ્રેસિસના નામ લેવાય તો હવે તેમાં આલિયા ભટ્ટની પણ ગણતરી થાય છે. ઘણાં ઓછા સમયમાં તેણે પોતાની એક્ટિંગથી લોકોનાં દિલ જીતી લીધા છે. ટુંક સમયમાં આલિયા ભટ્ટની આગામી ફિલ્મ રાઝી રીલિઝ થશે, જેમાં ફરી એકવાર આલિયાનું અદ્દભુત પર્ફોમન્સ જોવા મળશે તેમ લાગી રહ્યું છે. આ ફિલ્મને જંગલી પિક્ચર્સ અને ધર્મા પ્રોડક્શન્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.
ફિલ્મના ટીઝર અને આલિયા ભટ્ટના કેરેક્ટરના 3 પોસ્ટર્સ રીલિઝ થયા પછી આખરે ફિલ્મનું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. લોકોમાં ટીઝર અને પોસ્ટર જોઈને જ ફિલ્મ વિષેની આતુરતા વધી ગઈ હતી. ટ્રેલરની શરુઆતમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટેન્શનની સ્થિતિ દર્શાવવામાં આવી છે. આલિયા ભટ્ટના કેરેક્ટર સેહમતને ફિલ્મમાં ભારતીય યુવતી બતાવવામાં આવી છે. આલિયાના પિતા તેના લગ્ન એક પાકિસ્તાની સાથે કરાવે છે, જેથી તે પાકિસ્તાન જઈને ભારત માટે જાસૂસી કરી શકે.
#NewProfilePic pic.twitter.com/8goJQ0ucps
— Alia Bhatt (@aliaa08) April 10, 2018
આલિયા ભટ્ટ પાકિસ્તાનના આર્મી ઓફિસર(વિકી કૌશલ)ની પત્ની છે અને ભારતીય જાસૂસ પણ છે. ટ્રેલરમાં આલિયા ભટ્ટના 3 અવતાર જોવા મળે છે, એક સારી દીકરી, પર્ફેક્ટ વાઈફ અને નીડર જાસૂસ. આપણે એવા અનેક લોકોની વાતો સાંભળીએ છીએ, વાંચીએ છીએ જેમણે દેશ માટે લડત કરી અને પોતાનો જીવ ગુમાવ્યો. ત્યારે અનેક લોકો એવા પણ છે જેમણે બલિદાન તો આપ્યા પણ તેમનું નામ ગુમનામ જ રહી હયું.
મેઘના ગુલઝારે આ ફિલ્મમાં તેવી જ એક બહાદુર દીકરીની વાત કરી છે, જેણે દેશ માટે લડત કરી અને હંમેશા માટે યાદગાર બની ગઈ. સ્ટાર કાસ્ટ અને સ્ટોરીને જોઈને લાગે છે કે રાઝી આ વર્ષની બેસ્ટ ફિલ્મ્સમાંની એક ફિલ્મ હશે. આ ફિલ્મ મેઘના ગુલઝારે ડિરેક્ટ કરી છે અને વીનિત જૈન, કરણ જોહર, હિરુ જોહર અને અપૂર્વ મેહતા ફિલ્મના પ્રોડ્યુસર છે. પ્રીતિ સહાની ફિલ્મના કો-પ્રોડ્યુસર છે. 11મી મેના રોજ રાઝી રીલિઝ થશે.