અમદાવાદ: વિસનગર હિંસા કેસમાં હાર્દિક પટેલને બે વર્ષની સજાના આદેશ પર સ્ટે આપવા હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખીને સજા પર સ્ટે ઓર્ડર આપ્યો હતો. પાટીદાર અનામત આંદોલનના પ્રારંભમાં વિસનગરમાં ધારાસભ્ય ઋષિકેસ પટેલની ઓફિસમાં તોડફોડ સહિતના કેસમાં વિસનગર કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે પટેલને રાયોટિંગ કેસમાં દોષિત જાહેર કરી 2 વર્ષની સજા ફટકારી હતી. ત્યારબાદ ત્રણેય આરોપીઓના શરતી જામીન મંજૂર કર્યા હતા.
શું હતો મામલો?
વિસનગરમાં 23 જુલાઇ, 2015ના રોજ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. જે રેલી મામલતદારને આવેદનપત્ર આપ્યા બાદ ધારાસભ્ય ઋષિકેશ પટેલના કાર્યાલયે આવેદનપત્ર આપવા પહોંચી હતી. આ સમયે ટોળાએ કાર્યાલયમાં તોડફોડ કરી હતી. જે બનાવ અંગે પાસ કન્વીનર હાર્દિક પટેલ અને એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ સહિત રેલીના આયોજકો મળી 17 વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.
હાઈકોર્ટે હાર્દિકને રાહત આપી
ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવાના ગુનામાં વિસનગર કોર્ટે ગત માસે 25 જુલાઈએ હાર્દિક પટેલ સહિત 3ને 2 વર્ષની કેદની સજા ફટાકારી હતી. આ સજાના વિરૂધ્ધમાં હાર્દિક હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેની અરજીને ગ્રાહ્ય રાખીને વિસનગર કોર્ટે ફટકારેલી બે વર્ષની જેલની સજા પર સ્ટે આપ્યો હતો. હાર્દિકને આ કેસમાં રાહત મળી છે