ધોરણ 10 અને 12 ના રિપીટર વિદ્યાર્થીઓને પ્રમોશન મળે તેવી કોઈ શક્યતા નહી

કોરોના મહામારીના કારણે દેશના ઘણા રાજયોમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવા માટેની માંગણીઓ ઉભી થઈ છે. વિપક્ષે રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપી તેઓના પાસ કરવા માટેની માંગ કરી છે. જો કે, રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટ જણાવ્યું છે કે, રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવામાં આવશે નહીં.

જો કે હવે રિપિટર્સ પણ માંગ કરી રહ્યા છે કે, તેમને પણ માસ પ્રમોશનનો ફાયદો આપવામાં આવે. આ અંગે તેઓ વિવિધ પ્રકારે શિક્ષણ વિભાગને અને શિક્ષણ મંત્રીને અપીલ પણ કરી રહ્યા છે કે તેમને માસ પ્રમોશન આપવામાં આવે. જો કે હજી સુધી આ અંગે ભારે અવઢવની સ્થિતિ હતી. પરંતુ આજે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખોંખારો ખાઇને જણાવી દીધું હતું કે, રિપિટર્સની પરીક્ષા કોઇ પણ સંજોગોમાં યોજાશે જ. વિદ્યાર્થીઓ કોઇ પણ પ્રકારની રાહતના વ્હેમમાં ન રહે. માટે તૈયારીઓ આરંભી દે. 15 જુલાઇએ પરીક્ષાનું આયોજન થશે અને તે અંગેની કામગીરી પણ પુર્ણ થઇ ચુકી છે. માટે વિદ્યાર્થીઓ કોઇ પણ વ્હેમમાં ન રહે અને પરીક્ષા અંગેની તૈયારીઓ શરૂ કરે.

ઉલ્લેખનીય છે કે, ધોરણ 10માં 3.62 લાખ રિપીટર છે અને 12 ધોરણના વિક્ષાન પ્રવાહમાં 32,400 રીપીટર વિદ્યાર્થીઓ છે. જ્યારે સામાન્ય પ્રવાહમાં 97 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લેવા જઈ રહ્યા છે. સરકારે સ્પષ્ટતા કરી હતી કે માત્ર 10 અને 12 ના વર્ગના નિયમિત વિદ્યાર્થીઓને રદ કરવામાં આવ્યા છે.

Scroll to Top