મહિલા ડોક્ટરોનું ગ્રૂપ અન્ય મિત્રો સાથે સાણંદના એક રિસોર્ટમાં ફરવા માટે ગયુ ત્યારે રિસોર્ટના કર્મચારીઓએ મહિલા ડોક્ટરોના ફોટો એવા વિડીયો ઉતારી લીધા હતા. આ અંગેની જાણ મહિલા ડોક્ટરોને જાણ થતા તેમણે 181 ની મદદ માંગી હતી. અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચીને રિસોર્ટના કર્મચારીઓએ ઉતરેલા ફોટા અને વિડીયો ડિલીટ કરાવ્યા હતા. આમ સમાધાન કરાવી મામલો થાળે પાડ્યો હતો.
અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં મહિલા ડોકટરો તેમના ડોક્ટર મિત્રો સાથે સાણંદ નજીક આવેલા એક રિસોર્ટમાં બે દિવસ પહેલા ફરવા ગયા હતા. જ્યાં રિસોર્ટમાં કામ કરતા સિક્યુરિટી, કેન્ટીન અને ગાર્ડનમાં કામ કરતા ત્રણ વ્યક્તિઓએ તેમના ફોટો અને વીડિયો મોબાઈલમાં ઉતારી લીધા હતાં.
જો કે મહિલા ડોક્ટરોએ તેમની પુછપરછ કરી ત્યારે આ લોકો ફોટો અને વિડીયો લીધા હોવાની કબુલાત કરતા ન હતા, જેથી આ મામલે મહિલા ડોકટરે મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી.
મહિલા ડોકટર અસારવા સિવિલ હોસ્પિટલમાં કોરોના ડ્યુટીમાં ફરજ બજાવી અને હાલમાં એમડીની પરીક્ષાની તૈયારી કરવાની હોવાથી ફ્રેશ થવા માટે આ રિસોર્ટમાં આવ્યા હતા. ગ્રુપના એક ડોકટર અવારનવાર આ રિસોર્ટમાં આવતા હોવાથી તેઓએ અહીંયા પોતાનું એક મકાન રાખ્યું છે. બે દિવસથી ગ્રુપ સાથે તેઓ રિસોર્ટમાં રોકાયા છે.
મહિલા ડોકટરો રિસોર્ટમાં ગાર્ડનમાં ફરીએ, ગેમ રમવાની પ્રવૃત્તિ કરીએ ત્યારે રિસોર્ટમાં કેન્ટીન, સિક્યુરિટી અને ગાર્ડનમાં કામ કરતા વ્યક્તિઓએ મોબાઈલમાં ફોટો વીડિયો ઉતારી લીધા હતા. 181 ની ટીમે તપાસ કરતા મહિલા ડોક્ટરોના ફોટો વીડિયો મળ્યા હતા એટલું જ નહીં અન્ય વ્યક્તિઓ જેઓ આ રીસોર્ટમાં આવ્યા હતા તેમના પણ ફોટો અને વિડીયો મળી આવ્યા હતા. તમામ ફોટા અને વિડીયો ડીલેટ કરી નાખી ભવિષ્યમાં આવું ન કરવાનું કહી મામલો થાળે પાડ્યો હતો.